કેરા આરોગ્ય કેન્દ્રમાં ઈન્ચાર્જના પગલે સેવાઓ ખોરવાઈ; પ્રસૂતિ માટે કોઈ નથી

વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 30 : શિક્ષણ અને આરોગ્ય ફરજિયાત પણ છે અને હક્ક પણ... એક સમયે પાંચાડામાં જેની નામના હતી તેવું કેરાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાયમી કર્મચારીઓના અભાવે નધણિયાતું બન્યાની રાવ ઊઠી છે. સેવાઓ ખોરવાઈ છે, લોકો દુ:ખી છે. મેડિકલ ઓફિસરની જગ્યા બે માસથી ખાલી છે. હાલ દહીંસરા મેડિકલ ઓફિસર પ્રતિમાબેન ભાનુશાળી પાસે ચાર્જ છે જે ત્રણ-ત્રણ દિવસ સેવા આપે છે. અગાઉ કિંજલબેન ગઢવી રાજીનામું આપ્યા બાદ ડો. રહિયા આહીર પ્રસૂતિ રજામાં જતાં જગ્યા ખાલી છે. કોરોનાકાળમાં લેબોરેટરી કેટલી મહત્ત્વની છે તે સૌ જાણે છે, છતાં અહીં ટેકનિશિયનની જગ્યા પાંચ માસથી ખાલી છે. ફરજ પરના કર્મી કપાત પગારે રજામાં ઊતર્યા છે. હાલ દહીંસરાથી સપ્તાહમાં એક-બે વાર લેબ. ટેકનિશિયન આવે છે. મહિલા આરોગ્ય સુપરવાઈઝરની જગ્યા છેલ્લા સાત મહિનાથી ખાલી છે. અગાઉના કર્મચારી નિવૃત્ત થયા બાદ જગ્યા ભરાઈ નથી. સ્ટાફ નર્સ નથી. લોકો કહે છે કેરા પાંચાડાના 11 ગામોનું સરકારી આરોગ્ય આ કેન્દ્રના ભરેસે છે. પણ ઈન્ચાર્જનું ગ્રહણ ન છૂટતા સેવાઓ ખોરવાઈ ગઈ છે. હાલ સરકારી દફતરે 25848 લોકોની જવાબદારી આ કેન્દ્રના શિરે નિયત કરાઈ છે. કોરોના સંક્રમણની સંખ્યા વધી છે તેવામાં લોકોને ટેસ્ટ કરાવવા સેડાતા સી.એચ.સી. કે ખાનગી લેબોરેટરીની સેવાઓ લેવી પડે છે. લોકો કહે છે કેરાનું આરોગ્ય કેન્દ્ર શાખ ધરાવતું હતું. લોકો દાન આપી સાધન-સગવડ વિકસાવી આપતા હતા પણ એ બધું આજે ભૂતકાળ બનતું જાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer