ગ્રામ્ય રમતગમત યોજના માટે કચ્છના બાવીસ ગામની ભલામણ

ભુજ, તા. 30 : ગ્રામ્ય સ્તરે રમતગમતના વિકાસ અને વિસ્તાર માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શરૂ કરાયેલી ગ્રામ્ય રમતગમત યોજના અંતર્ગત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર ભુજ દ્વારા કચ્છના દસ તાલુકાના બાવીસ ગામની ભલામણ મોકલવામાં આવી છે. આ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં પડતર/ફાજલ જમીન પર ફૂટબોલ, બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, એથ્લેટિક્સ વગેરે રમતોના મેદાન તૈયાર કરી ખેલકૂદને પ્રોત્સાહન આપવાનો છે. કચ્છમાં પણ આ યોજના હેઠળ તાલુકાવાર ગ્રામ્ય સ્થળો પસંદ કરવા સિનિયર કોચની ઓફિસને સૂચના અપાઈ હતી તેમજ વિવિધ તાલુકાના સ્થળો પસંદ કરવા માટે કચ્છના સિનિયર કોચ સહિત વિવિધ સિનિયર કોચને જવાબદારી સોંપાઈ હતી. જે અંતર્ગત ભુજ તાલુકામાં નારાણપર અને કેરા, રાપર તા.માં નીલપર અને ચિત્રોડ, નખત્રાણામાં વિથોણ અને નિરોણા, ભચાઉમાં કબરાઉ અને આધોઈ, અબડાસામાં કોઠારા અને ડુમરા, ગાંધીધામમાં મીઠી રોહર અને શિણાય, મુંદરામાં ભુજપુર અને રામાણિયા, લખપતમાં ગુનેરી અને દયાપર, અંજારમાં વરસામેડી, રતનાલ, ભીમાસર અને મીંદિયાળા તથા માંડવીમાં મસ્કા અને ગુંદિયાળી એમ બાવીસ ગ્રામ્ય સ્થળોની ભલામણ સ્પોર્ટસ ઓથોરિટીને કરવામાં આવી હોવાનું સિનિયર કોચ જિગર દેસાઈએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત 2020-21ના નાણાકીય વર્ષ માટે રૂા. 70 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. હવે પહેલી ઓકટોબરે સવારે 10?વાગ્યે વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ યોજનાનું ઈ-લોન્ચિંગ કરવામાં આવશે. દરમયાન સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પોર્ટસ ઓથોરિટીએ આ પૈકી 20 ગામની યાદી તૈયાર કરીને સરપંચ અને તલાટીની સહી બાકી હોવાના રિમાર્કસ સાથે જે-તે પ્રશિક્ષણ કેન્દ્રોને મોકલી છે. ઉલ્લેખનીય છે કે, સરપંચ અને તલાટીની સહી માટેનો ઉલ્લેખ અગાઉ કરવામાં આવ્યો નહોતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer