હમીરસરમાં દબાણ હટાવી ચુકાદાનો અમલ કરો

ભુજ, તા. 30 : જિલ્લા કોર્ટે હમીરસરની આવમાં ધોબીઘાટના નામે થયેલા દબાણ અને સમયાંતરે ઉભી કરાયેલી આખી વસાહત સરકારી જમીન હોવાનો ચુકાદો આપી દબાણ ખાલી કરાવવા નિર્દેશ આપતાં સ્વામિનારાયણ મંદિર સહિતના પક્ષકારો અને શહેરની જનતાએ હમીરસર મુકિતની માંગ ઉઠાવી છે. આ સંદર્ભે  રાજ્ય સરકારમાં  રજૂઆતો થઇ છે.સરકારે કાર્યવાહી કરવા કલેક્ટરને જણાવ્યું છે. કચ્છીઓના લોકહૃદયમાં વસેલા રાજાશાહીની શાન સમા ઐતિહાસિક હમીરસર તળાવની આવમાં સરકારી જમીન સર્વે નં. 139/1 અને 139/2 ઉપર અમુક ધોબીઓના સમૂહ દ્વારા સૌ પ્રથમ કપડાં ધોવાના ઉપયોગ પછી સમયાંતરે તે સંદર્ભે છેલ્લા 20 વર્ષ કાનૂની લડત ચાલી હતી. 2010થી આ કેસમાં ભુજના સ્વામિનારાયણ મંદિરને પક્ષકાર બનાવી દેવાયા હતા, તેનો નિર્ણય તા. 18/7/2020ના આવતાં ધોબી જમાતનો કેસ ઉડી ગયો હતો અને જમીન સરકારી હોવાનો ચુકાદો એડિશનલ જિલ્લા ન્યાયાધીશે આપ્યો હતો. આ ચુકાદાને  આધીન હવે આખે આખી વસાહત હટાવવા અને હમીરસર મુકિતની માંગ રાજ્ય સરકારને  કરાઇ છે અને મામલો રસપ્રદ બની ગયો છે. કોર્ટનો ચુકાદો છે તો અમલ થવો જોઇએ તેવો ગણગણાટ શહેરના જાગૃત નાગરિકોમાં સંભળાઇ રહ્યો છે. હાલ જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી દબાણ હટાવવાની કાર્યવાહી જુદી જુદી જગ્યાએ ચાલુ છે ત્યારે  હમીરસર પ્રેમીઓ, પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિકોએ તળાવ વહેણમાં  કાર્યવાહી થાય એમ ઇચ્છે છે. આ સંદર્ભે અધિક કલેક્ટર મનીષ ગુરવાણીએ  જણાવ્યું હતું કે, ધોબીઘાટવાળી જમીન નગરપાલિકાની છે. સૂચિત દબાણ હટાવવાની કાર્યવાહી કરવા સુધરાઇના મુખ્ય અધિકારીને સૂચના આપી દેવાઇ છે. આ સંદર્ભે ભુજ સ્વામિનારાયણ મંદિરે રાજ્ય સરકારમાં કરેલી રજૂઆત મુજબ '90ના દાયકામાં ધોબીઘાટનું સરકારી દબાણ દૂર કરવા સરકારી તંત્રે તજવીજ હાથ?ધરતાં આ મુસ્લિમ ધોબી સમાજ દ્વારા ભુજના પ્રિન્સીપલ જજની નામદાર કોર્ટમાં 121/1997 અને 708/2001વાળા દાવા શરૂ કરેલા જે રદ થયા હતા. તે પૈકી 304/2010 અપીલ કરેલ જેમાં સ્વામિનારાયણ મંદિર તેમજ ખુદ સરકાર પક્ષકાર હતા. આ અપીલ તા. 18/7/2020ના  રદ થયેલ છે અને ચુકાદો છે કે, બાંધકામ કરેલ જગ્યા?ધોબીઓના નામે નથી. પરવાનગી વિના બાંધકામ છે. ભૂકંપ પહેલાં આ જગ્યા પર કોઇ રહેણાંક ન હતું. સ્થાનિકે આ જગ્યા હમીરસરનું વહેણ છે. તે ક્યારેય સરકારશ્રી દ્વારા?કોઇને ફાળવવામાં આવી નથી. તેથી ગેરકાયદે આ વસાહત હટવી જોઇએ તેવી માંગણી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહેસૂલ મંત્રી અને ગૃહમંત્રી  સુધી કરાઇ છે. મહેસૂલ વિભાગે કલેક્ટરને નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ સંદર્ભે નાયબ કલેક્ટર મનીષ ગુરનાણીએ નગરપાલિકા ચીફ ઓફિસરને કાર્યવાહી કરવા જણાવ્યું છે. જો શહેરના અન્ય દબાણ ખુદ કલેક્ટર હટાવી શકતા હોય તો હમીરસર તો જળાશય છે તેની આવ પરના દબાણ કલેક્ટરે હટાવવા જોઇએ. વર્ષોથી કાનૂની લડત લડતા મુસ્લિમ ધોબી જમાતના પ્રમુખ ઉસ્માણ રમજુ ધોબીનો કેસ અને કાર્યવાહી સંદર્ભે કચ્છમિત્રે પક્ષ જાણતાં તેમણે કહ્યું કે, અમે આ ચુકાદાનો  અભ્યાસ કરી અમારી આગળની રણનીતિ ઘડવા અંગે વિચાર કરશું. તેમણે એમ પણ કહ્યું કે, અમને આ જમીન રાજાશાહીના સમયમાં મળેલી છે અને તેના પર અમારો પૂરો હક્ક છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer