જો જો એસ.ટી.ની બેદરકારી કોરોના વિસ્ફોટ ન સર્જે

જો જો એસ.ટી.ની બેદરકારી કોરોના વિસ્ફોટ ન સર્જે
ભુજ, તા. 25 : કચ્છ એસ.ટી. વિભાગ દ્વારા જિલ્લા બહાર જતી એક્સપ્રેસ બસોમાં થર્મલ ગનથી ચેકિંગ કરતા સ્ટાફને હટાવી લેવામાં આવતાં તેમજ જિલ્લા મથકના હંગામી બસ સ્ટેશનમાં પણ સરકારી ગાઈડલાઈનના નિયમોના થતા ભંગથી કોરોના વિસ્ફોટ સર્જાવાનો ભય જાગૃત મુસાફરો કરી રહ્યા છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાંથી અન્ય જિલ્લામાં દરરોજ 50થી 60 એક્સપ્રેસ બસ જઈ રહી છે. આ બસોમાં હવે લોકો એડવાન્સ બૂકિંગ કરાવતા હોવાથી સ્વાભાવિક રીતે પોતાના ગામ અથવા તો નજીકના બસ સ્ટેશનેથી બસમાં બેસે છે. ત્યારે આ બસો માટે નક્કી કરાયેલાં સ્થળો પર થર્મલ ગન અને સેનિટાઈઝેશન માટે મૂકવામાં આવેલા સ્ટાફને તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યો છે. જેથી આવા પ્રવાસીઓ બેધડક બસોમાં કોઈ પણ જાતનાં ચેકિંગ વિના મુસાફરી કરતા હોવાથી અગાઉથી થર્મલ ગનથી ચેકિંગ કરાયેલા મુસાફરોની સાથે સાથે ડ્રાઈવર-કંડક્ટરો પણ કોરોનાનો ભોગ બનવાની સંભાવના વધી જાય છે. બીજીતરફ જિલ્લા મથકના હંગામી બસ સ્ટેશનની હાલત કથળેલી છે. અહીં પણ સરકારની માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. જેમાં અમુક ડ્રાઈવર-કંડક્ટરો પણ માસ્ક વિના ફરતા નજરે પડયા હતા, તો લોકો  પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી એકબીજાની લગોલગ બેઠા હતા. તો કેન્ટીનમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ નજરે ચડયો હતો. દરમ્યાન આ સંકુલમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલાં હોવાથી રોગચાળો ફેલાવાનો ભય ઝળુંબી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા સફાઈકાર્ય હાથ ધરવા પ્રવાસીઓમાં માંગ ઊઠી રહી છે. આ સંકુલમાં પીવાના પાણીના નળની આસપાસ પણ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer