દરરોજ કેસ વધવા છતાં વાગડમાં કોવિડ હોસ્પિટલ નથી !

દરરોજ કેસ વધવા છતાં વાગડમાં કોવિડ હોસ્પિટલ નથી !
કમલેશ ઠક્કર દ્વારા-
ભચાઉ, તા. 25 : વાગડમાં કોરોના પોઝિટિવ કેસ દરરોજ વધી રહ્યા છે ત્યારે બે તાલુકા વચ્ચે કોવિડ હોસ્પિટલ ન હોવાથી અનેક પોઝિટિવ દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. ભચાઉ શહેરમાં એક સપ્તાહ દરમ્યાન 30થી 35 જેટલા પોઝિટિવ દર્દી કોરોનાના દેખાય છે. સ્થાનિકે ઘરે આઈસોલેટ થયા છે, અનેક ગાંધીધામ, ભુજ કે અમદાવાદ ખાનગી રાહે સારવાર લઈ રહ્યા છે. અનેક ઔદ્યોગિક એકમો મુંબઈ, સુરત તથા અન્યત્ર સ્થાઈ થયેલા અનેક પરિવારો માતૃભૂમિ જન્મભૂમિમાં આવે ત્યારે કેવી રીતે આ પરિસ્થિતિને અંકુશમાં લેવામાં આવશે ? તે સવાલ છે. તાજેતરમાં રામવાડી વિસ્તારમાં જૈન પુરુષનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ મૃત્યુ નીપજ્યું હતું.  તો રામવાડી વિસ્તારમાં બે સોની પરિવારો પોઝિટિવ છે અને આઠ-દસ સભ્યો ઘરે આઈસોલેટ છે. એક વેપારી પોઝિટિવ જાહેર થયા છતાં ગામમાં લટાર મારવા નીકળી પડયા હતા. જલારામ સોસાયટીની એક મહિલા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે. અન્ય પરિવારમાં ત્રણ સભ્યો પરિવાર સહિત અમદાવાદ સારવાર લેવા નીકળી ગયા છે. ફૂલવાડીમાં એક આધેડને પોઝિટિવ બાદ ઘરે રખાયા હતા. હવે વધુ સારવારની જરૂર જણાતાં તેમને અન્યત્ર ખસેડાયા. રાજકીય અગ્રણીને પોઝિટિવ આવતાં આ દંપતી ઘરે આઈસોલેટ થયું છે. તો પિતા પોઝિટિવ આવતાં ભુજ સારવાર માટે દાખલ થયા છે. આખા કચ્છનો આંકડો જાહેર થાય છે એટલા પોઝિટિવ દર્દી ભચાઉમાં છે. ભચાઉ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ જયેશભાઈ મહેતાએ કહ્યું કે, રાપર-ભચાઉ આટલો મોટો  વિસ્તાર, ઔદ્યોગિક એકમો અને એક પણ કોવિડ હોસ્પિટલ નથી તે દુ:ખદ છે. કોરોના પોઝિટિવનું સંક્રમણ વધ્યું છે, પરંતુ ભારોભાર બેદરકારી પરાકાષ્ઠાએ ગઈ છે. ઔદ્યોગિક અગ્રણી જયેશભાઈ મહેતાએ કહ્યું કે, રામવાડી વિસ્તારમાં પોઝિટિવ વ્યક્તિ બજારમાં ફરતા દેખાયા. રોકવામાં આવતાં શરમમાં પાછા પરત ગયા... આમ બીમાર, વૃદ્ધ, અશક્ત માટે જાનનું જોખમ સર્જાય એવી બેદરકારી ચાલી રહી છે. શેરીઓમાં સેનિટાઈઝ, આડસ, ઘર પર બોર્ડ આ બધું જાણે વિસરાઈ ગયું છે. આંગળીના વેઢે કોરોના પોઝિટિવ આમ નાગરિક ગણાવી રહ્યા છે. ભચાઉ સી.એચ.સી.માં દરરોજ 3થી 5 કેસ આવી રહ્યા છે. આંકડાની ઈન્દ્રજાળ થકી કોરોના સંક્રમણ વધુ ફેલાય એવી આશંકા સેવાઈ રહી છે. ભચાઉ ટ્રોમા સેન્ટરમાં કોવિડ રિપોર્ટ કરવાનું ચાલુ થયું છે. 25 બેડની હોસ્પિટલ બનશે.  આ માટે પ્રવેશદ્વારે આર.સી.સી. રોડ બનાવાયો છે. ભચાઉ સરકારી દવાખાનું અને ટ્રોમા સેન્ટર છે જ્યાં કોવિડ હોસ્પિટલ શરૂ થવાની વાત છે. જિલ્લામાં ચાલતી દબાણ ઝુંબેશ અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલું સરકારી જમીન દબાણ વિરોધી બિલની અહીં કાંઈ કરતાં કાંઈ અસર દેખાતી નથી.  ટ્રોમા સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ બનશે ત્યારે આવાં દબાણો થકી ગ્રાહકો-રાહદારીઓની શું દશા થશે ? પરંતુ ગમે તેવા આગેવાન આવા દબાણોથી દૂર જ રહે છે. તસવીરમાં સરકારી દવાખાના-કોવિડ ચેકઅપ સેન્ટર આડેના દબાણો બેખોફ દબાણકારોની સાક્ષી પૂરે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer