રાપરમાં ધારાશાસ્ત્રી ની સરાજાહેર ક્રૂર હત્યા

રાપરમાં ધારાશાસ્ત્રી ની સરાજાહેર ક્રૂર હત્યા
ગાંધીધામ, તા. 25 : પૂર્વ કચ્છના રાપર નગરમાં આજે સાંજે વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા બામસેફ સંસ્થા સાથે સંકળાયેલા દેવજીભાઇ મહેશ્વરીની સરાજાહેર કરપીણ હત્યા કરી નખાતાં સનસનાટી મચી ગઇ છે. બનાવના પગલે પોલીસે તાબડતોબ હરકતમાં આવી આરોપીને ઝડપી પાડવા સહિતની કવાયત હાથ ધરી છે. બહાર આવેલી પ્રાથમિક વિગતો અનુસાર રાપર નગરમાં મહેતા કોમ્પ્લેક્ષ કે જયાં ધારાસભ્યની કચેરી પણ આવેલી છે તે સંકુલની બહાર આજે સાંજે તીક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલામાં ધારાશાત્રી દેવજીભાઇ મહેશ્વરી અત્યંત ગંભીર રીતે ઘવાયા હતા. બાદમાં સારવાર દરમ્યાન તેમણે સ્થાનિકની સરકારી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસો.ના અધ્યક્ષ એવા દેવજીભાઇને હુમલાખોર દ્વારા છરી જેવાં તીક્ષ્ણ હથિયારના ત્રણથી ચાર ઘા મારવામાં આવ્યા હતા. જે તેમના માટે જીવલેણ બન્યા હતા. હુમલાખોર એક યુવાન હોવાનું અને બાદમાં તે નાસી ગયાનું બહાર આવ્યું છે. હુમલાખોરની આ સમગ્ર હરકત સી.સી. ટી.વી. કેમેરામાં પણ કેદ થઇ ચૂકી હોવાની વિગતો જાણવા મળી છે. આજે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં આ લોહિયાળ-જીવલેણ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. મૂળ પશ્ચિમ કચ્છના વતની એવા દેવજીભાઇના પત્ની શિક્ષિકા છે અને તેઓ રાપરમાં ફરજ બજાવી રહયાં છે. બનાવના પગલે પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને સંબંધિત સ્થળોએ બંદોબસ્ત તૈનાત કરવા સહિતનાં પગલાં અમલી બનાવ્યાં હતાં તો આ પ્રકરણને અંજામ આપનારા આરોપીને પકડી પાડવાના પ્રયાસો પણ અવિરત રખાયા છે. બનાવ કયા કારણે અને કયા હેતુથી બન્યો તેના સહિતની કોઇ વિગતો હજુ આ લખાય છે ત્યાં સુધી સ્પષ્ટ થઇ શકી નથી. પોલીસ સમગ્ર ઘટનાક્રમની કડીબદ્ધ વિગતો મેળવવામાં પ્રવૃત્ત હોવાનું સત્તાવાર સાધનો દ્વારા જણાવાયું હતું.  દરમ્યાન ઘટનાની જાણ થતાં રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને એક તબક્કે જયાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પણ તૈયારી બતાવાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer