ભુજમાં દબાણકારો પર ધોંસ અવિરત

ભુજમાં દબાણકારો પર ધોંસ અવિરત
ભુજ, તા. 25 : શહેરમાં છેલ્લા બે સપ્તાહથી દબાણ હટાવ ઝુંબેશ છેડી સરકારી સહિત અન્ય જમીન પર ખડાં થઇ ગયેલાં દબાણોને દૂર કરવાની અવિરત ચાલી રહેલી કામગીરી સતત આગળ ધપી રહી છે. મિરજાપર હાઇવે પર આદરાયેલી ઝુંબેશમાં વધુ 5000 ચો.મી. જમીનને દબાણ મુકત કરી ખુલ્લી કરાવાઇ હતી.મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાણીના જણાવ્યા અનુસાર મિરજાપર હાઇવે પર મોટર ગેરેજ, બોરવેલ, ફેબ્રિકેશન, એન્જિનીયરિંગ વર્કસ સહિતના વ્યાવસાયિક દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. ખુલ્લી કરાયેલી જમીનની બજાર કિંમત પાંચ કરોડની આસપાસની હોવાનું પાઠવાયેલી યાદીમાં જણાવાયું છે.અનધિકૃત દબાણો દૂર કરવાની ઝુંબેશ હજુ આગળ ધપવા સાથે જરૂર પડયે દબાણકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા  દબાણકારોને સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની  અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી 30 કરોડની કિંમતની 47000 ચો.મી. જમીનને દબાણ મુકત કરાવાઈ છે. આ કામગીરીમાં  શહેરના મામલતદાર યુ.એ. સુમરા, સર્કલ ઓફિસર હરપાલસિંહ વાઘેલા સહિત નગરપાલિકા, પોલીસ અને વીજતંત્રની ટીમ જોડાઇ હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer