ભુજના સાતમા વોર્ડના લોકોને ગટર સમસ્યામાંથી મળશે મુક્તિ

ભુજના સાતમા વોર્ડના લોકોને ગટર સમસ્યામાંથી મળશે મુક્તિ
ભુજ, તા. 25 : શહેરમાં 15થી 17 વર્ષ અગાઉ ભૂકંપ બાદ જી.યુ.ડી.સી. દ્વારા ગટરલાઈન પાથરવાનું કામ થયેલું ત્યારે જૂની લાઈન હયાત રાખી નવી લાઈન વોર્ડ સાતમાં નાખવામાં આવેલી. આ બંને લાઈનના લેવલમાં અંદાજિત 4 ફૂટ જેટલો ફરક રહેલો. વિસ્તારના રહેવાસીઓના કનેક્શન જૂની લાઈનમાં જ રહી ગયેલા. જે-તે સમયે જી.યુ.ડી.સી.એ જૂની લાઈનનું ઓવરફ્લો મંગલમ પાસે નવી લાઈનમાં નાખેલો. આ બંને લાઈનનું લેવલ શરદબાગ પાસે એકરૂપ થાય છે. જૂની લાઈનના અંદાજિત 450 મીટરના પાઈપ બદલવાની જરૂરત પડતાં આ વિસ્તારના નગરસેવક ડો. રામ ગઢવી, મહિદીપસિંહ જાડેજા, ચૌલાબેન સોની, રશ્મિબેન સોલંકીના પ્રયાસોથી આ લાઈન બદલવાનું કાર્ય અંદાજિત 25 લાખના ખર્ચે ચાલુ થયેલું છે. આમ બે લાઈન કાર્યરત થવાથી તથા અમૃત યોજનામાં પ્રમુખસ્વામી નગર તથા નવા વિકસિત વિસ્તારોની લાઈન હિલગાર્ડનવાળા રસ્તે ડાયવર્ટ થવાથી વોર્ડ નંબર સાતના સંસ્કારનગર, કૈલાસનગર, ઉમેદનગર, મંગલમ ચાર રસ્તા, શક્તિનગર-1 અને 2, સત્યમ, યોગીરાજપાર્ક તથા ગાયત્રી મંદિર વગેરે વિસ્તારોને ગટરની સમસ્યામાંથી મુક્તિ મળી શકશે. હાલમાં આ કામ ડ્રેનેજ વિભાગના ઈજનેરના સુપરવિઝન હેઠળ પૂરજોશમાં ચાલુ છે અને 10-12 દિવસમાં પૂર્ણ થયા બાદ લાઈનનું ટેસ્ટિંગ કરીને લાઈન કાર્યરત કરવામાં આવશે. નગરપાલિકાના ઉપપ્રમુખ ડો. રામ ગઢવી તથા નગરસેવક મહિદીપસિંહ જાડેજા સ્થળ પર જઈને આ કામગીરીનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer