કેરામાં આઇ.પી.એલ. સટ્ટામાં ભુજના બે બુકી જબ્બે

કેરામાં આઇ.પી.એલ. સટ્ટામાં ભુજના બે બુકી જબ્બે
ભુજ, તા. 25 : તાલુકાના કેરા ગામે ગજોડ ગામ તરફ જતા માર્ગ ઉપરની સીમમાં આવેલી વાડીમાં બેસીને આઇ.પી.એલ. ક્રિકેટ સ્પર્ધા ઉપરના સટ્ટાની પ્રવૃતિ ચલાવી રહેલા ભુજના બે બુકી નવી રાવલવાડી ખાતે રહેતા મૂળ મોટી તુંબડી (મુંદરા)ના વીરેન્દ્રાસિંહ અનોપાસિંહ જાડેજા અને ભુજમાં નવી રાવલવાડી ખાતે રહેતા વિશાલ પ્રદીપભાઇ સોનીને પકડી પાડયા હતા. આ બન્ને પાસેથી કાર સહિત રૂા. 2.80 લાખની માલસામગ્રી કબજે કરાઇ હતી. ભુજના આ બન્ને બુકી આઇ.પી.એલ.ની મેચો ઉપર હારજીત અને સેશન સહિતનો જુગાર રમાડવા માટે આરોપી વીરેન્દ્રાસિંહ જાડેજાની કેરામાં ગજોડ રોડ ઉપર આવેલી વાડીમાં બેસી પ્રવૃત્ત થતા હોવાની બાતમીના પગલે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ ગતરાત્રે આ દરોડો પાડયો હતો.  પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે બન્ને તહોમતદાર ગઇકાલે રમાયેલી બેંગ્લોર અને પંજાબ વચ્ચેની મેચ ઉપર સટ્ટો ચલાવી રહ્યા હતા ત્યારે આ કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી. આ બન્ને પાસેથી રૂા. 8385 રોકડા ઉપરાંત પાંચ મોબાઇલ ફોન, હિસાબની નોટબુક, ટી.વી. અને હ્યુન્ડાઇ આઇ.20 કાર સહિત કુલ્લ રૂા. 2.80 લાખની માલસામગ્રી કબજે કરાઇ હતી.  બન્ને તહોમતદારની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે તેમને માનકૂવા પોલીસ મથકને સુપરત કરાયા હતા. કાર્યકારી ઇન્સ્પેકટર એસ.જે.રાણા સાથે એલ.સી.બી. સ્ટાફના સભ્યો દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer