નખત્રાણામાં તમામ વેપારીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવાશે

નખત્રાણામાં તમામ વેપારીઓનો ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવાશે
નખત્રાણા, તા. 25 : કોરોના મહામારીના વધતા કેસો, તેનું વધતું જતું સંક્રમણ નાથવા અહીં પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર પ્રવીણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં ગામના અગ્રણીઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિર્ણયો લેવામાં આવ્યા હતા.આ મિટિંગમાં પ્રાંત અધિકારીએ કહ્યું કે, નખત્રાણાના તમામ વેપારીઓએ ફરજિયાત રીતે પરીક્ષણ કરાવવાનું રહેશે, જેમાં દુકાનદારો, રેંકડી-કેબિનધારકો, શાકભાજી વેચતા ફેરિયા, દૂધ વિક્રેતા તેમજ અખબારોની ફેરી કરતા ફેરિયાઓ તમામે પરીક્ષણ કરાવી હેલ્થકાર્ડ લેવાનું રહેશે. વહીવટી તંત્રને સહકાર આપવાનો રહેશે.આ પરીક્ષણ દરમ્યાન શંકાસ્પદ કેસ જણાશે તો સારવાર સાથે રાતાતળાવ (કોવિડ) સેન્ટરમાં મોકલવામાં આવશે તથા નખત્રાણા ખાતે પણ કોવિડ સેન્ટર બનાવવાની તૈયારી ચાલી રહી છે. જરૂર જણાય તો હોમ આઈસોલેટ કરાશે અને આ દરમ્યાન જો કોઈ ક્વોરેન્ટાઈન થયેલો પરિવારનો કેસ બહાર ફરતો દેખાશે તો તેની સામે ગુનો નોંધવાની વહીવટી તંત્રને ફરજ પડશે, માટે મહામારીની ગંભીરતા સામે સરકારી ગાઈડલાઈનના નિયમોનું પાલન કરવાનું રહેશે.આ મિટિંગમાં વેપારીઓને સતાવતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા વારંવાર વેપારીઓને જ શા માટે લક્ષ બનાવવામાં આવે છે. હાલ ધંધા-રોજગાર નહિવત છે, મંદી છે. ત્યારે એક હજારનો દંડ કઈ રીતે ભરે? આ બાબતે યોગ્ય કરવાની સાથે વ્યથા ઠાલવવામાં આવી હતી. યોગ્ય કરવાની ખાતરી સાથે વેપારી માસ્ક નહીં પહેરે, જાહેરનામાનો ભંગ કરશે તો દંડકીય પગલાં અવશ્ય લેવામાં આવશે. આ બેઠકમાં બ્લોક હેલ્થ ઓફિસરની આરોગ્ય ટીમના ડો. એ. કે. પ્રસાદ, બાબુલાલ ડી. ધનાણી, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ડી. પલણ, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, હેમેન્દ્રભાઈ કંસારા, નીતિનભાઈ ઠક્કર, હીરાલાલભાઈ સોની, લાલજીભાઈ રામાણી, દિનેશ જોશી, મામદ ખત્રી, જીતુભા જાડેજા, દિનેશ નાથાણી, કિશોર સોની ઉપસ્થિત રહેવાની સાથે સંપૂર્ણ પરીક્ષણ કરાવવાની ખાતરી આપી હતી.દરમ્યાન આખા કચ્છમાં ક્યાંયે નહીં ને માત્ર નખત્રાણામાં જ 100 ટકા ટેસ્ટિંગ અને હેલ્થકાર્ડનો કાયદો શા માટે ? તેમ  તેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહીની ધમકી અંગે વેપારીઓએ વ્યક્ત કરેલા આક્રોશ અંગે ડે. કલેક્ટર શ્રી જેતાવતને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કલેક્ટરે નોડલ ઓફિસરને સત્તા આપી છે. જેમાં નખત્રાણામાં પોતે 100 ટકા સુપર સ્પ્રેડર તપાસવા માગે છે અને જે માટે વેપારીઓએ સહમતી આપી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer