પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલવા કોલકતા-હૈદરાબાદ મેદાને પડશે

અબુધાબી, તા.2પ: કોલકતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકની મુંબઇ ઇન્ડિયન્સ સામેના મેચ વખતે તમામ યોજનાઓની આલોચના થઇ હતી. હવે કોલકતા શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ મેદાને પડશે ત્યારે તેમનું લક્ષ્ય આઇપીએલ-13ના પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું રહેશે. મુંબઇ સામેના મેચમાં કેકેઆરની રણનીતિ પર સવાલ ઉઠયા હતા. પાછલા સત્રમાં 249 દડામાં પ10 રન કરનાર જમૈકાના ઓલરાઉન્ડર આંદ્રે રસેલને છઠ્ઠા ક્રમે બેટિંગ પર મોકલવામાં આવ્યો હતો. ત્યાં સુધીમાં તો ટીમની મુશ્કેલીઓ ઘણી વધી ગઇ હતી. બે વિદેશી ખેલાડી સૌથી મોંઘો બોલર પેટ કમિન્સ અને ઇંગ્લેન્ડનો કપ્તાન ઇયોન મોર્ગન પણ નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત સુનિલ નારાયણને મોડેથી બોલિંગ આપવાની કાર્તિકની રણનીતિની પણ ટીકા થઇ હતી. એ જયારે બોલિંગમાં આવ્યો ત્યાં સુધીમાં રોહિત શર્માની બેટિંગ ત્રીજા ગીયરમાં આવી ગઇ હતી. ટીમના આક્રમક કોચ મેકકયુલમની રક્ષાત્મક નીતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ બધી ભુલોમાંથી બોધપાઠ લઇને કોલકતાની ટીમ આવતીકાલના હૈદરાબાદ વિરૂધ્ધના મેચમાં જીતના લક્ષ્યાંક સાથે મેદાને પડશે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદનો પણ પહેલા મેચમાં દેખાવ સારો રહ્યો ન હતો. વોર્નરની ટીમને બેંગ્લોર સામે હાર મળી હતી. પહેલા મેચમાં હૈદરાબાદની મીડલ ઓર્ડર પૂરી રીતે વિખેરાઇ ગયું હતું.  આખરી પ ઓવરમાં 43 રનની જરૂર હતી, પણ ફકત 32 રન જ કરી શકી અને આ દરમિયાન 7 વિકેટ ગુમાવીને 10 રનથી મેચ ગુમાવ્યો હતો. પહેલા મેચમાં વોર્નર રનઆઉટ થયો હતો. તે કેકેઆર સામે મોટી ઇનિંગ રમવા માંગશે. કેન વિલિયમ્સનની ઇજામાંથી બહાર આવી વાપસી થાય છે કે નહીં તે પણ જોવું રહ્યંy. સનરાઇઝર્સની બોલિંગ હંમેશા પ્રભાવશાળી રહી છે. આવતીકાલના મેચમાં અફઘાન ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને કદાચ તક મળી શકે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer