ખેડૂતોના મુદ્દે `બંધ'' કચ્છમાં બેઅસર : પ્રવૃત્તિ ચાલુ રહી

ભુજ, તા. 25 : કૃષકોના મુદ્દે અપાયેલા બંધના એલાનની કચ્છમાં કોઈ જ અસર જોવા મળી નથી. પટેલ ચોવીસી સહિત વિવિધ વિસ્તારના ખેડૂતો સહિત તમામ વ્યવસાયકારોને આજના બંધની જાણે ખબર જ ન હોય તેમ જિલ્લો પ્રવૃત્તિઓથી રાબેતા મુજબ ધમધમતો રહ્યો હતો. વર્તમાન સમયે વિપરીત સ્થિતિમાં કિસાનો રાજ્ય સરકારની નીતિથી નારાજ જરૂર છે, પણ કોંગ્રેસ સાથે નથી. આજે અપાયેલા બંધની પટેલ ચોવીસીના ખેડૂતોમાં કોઈ અસર તો શું ચર્ચા પણ જોવા મળી નથી. ધરતીપુત્રોને ન્યાય જોઈએ છે પણ ભાજપ પાસેથી... જાણકાર ખેડૂતોથી વાત કરતાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે અમારાથી ન્યાય કર્યો નથી. નર્મદા સહિતના પ્રશ્ને ખેડૂતો તેમના માટે હંમેશાં મતબેંક રહ્યા છે.નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે થોડીઘણી માવજત લેવાઈ હતી, પણ હાલ ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોનું શોષણ થયું છે. કોરોનાના કારણે દરેક સેક્ટર હણાયાં છે તેમાં કૃષિ પણ એક છે, છતાં સરકારે અમારી પૃચ્છા કરી નથી તેનું દુ:ખ છે. કપિત ખેતી કરતા કિસાનોને સરકારની નીતિ સામે મોટો વાંધો કે નારાજી નથી. બાગાયતી ખેડૂતોને લાખોનું મોટું નુકસાન છે. તેના સર્વેમાં વિલંબ કરી સરકારે સમય પસાર કર્યો છે તેવો સૂર કોડકીથી કેરા, સામત્રાથી માધાપર સુધી સંભળાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer