ભુજની સહજાનંદ ગર્લ્સ કોલેજમાં આચાર્યા સહિત ચાર સામેની એફ.આઇ.આર. રદ

અમદાવાદ/ભુજ, તા. 2પ : ભુજની કન્યાઓ માટેની કોલેજ સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટમાં માસિકધર્મના પાલનના મુદે્ કથિતપણે 66 બાળાના કપડાં ઉતરાવવાના ચકચારી કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે કોલેજના આચાર્યા સહિત ચાર સામેની એફઆઈઆર રદ કરી નાખી હતી. અદાલતે જણાવ્યું હતું કે આ મામલે વિદ્યાર્થિનીઓ અને આરોપી વ્યવસ્થાપકો વચ્ચે સમજૂતી થઈ હોવા ઉપરાંત આરોપો એટલા ગંભીર નથી કે હાઈકોર્ટ એફઆઈઆર કાઢી નાખવાની પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ પણ કરી શકે નહીં.ભુજના મિરઝાપર રોડ પર ઉપર કાર્યરત  ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિત કોલેજમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં આ ઘટના ઘટી હતી. રજસ્વલા વિશે જાણવા માટે છાત્રાઓના કપડાં ઉતરાવ્યા હોવાનો આક્ષેપ થયો હતો. સમગ્ર બનાવને લઈને ભારે આક્રોશ ફેલાયો હતો અને  રાષ્ટ્રીય મહિલા પંચના સભ્યો પણ ભુજ આવ્યા હતા અને મુદાની તપાસ માટે સીટની પણ રચના કરાઈ હતી. પોલીસે કોલેજના પ્રિન્સિપાલ રીટા રાણીંગા,ઈન્સ્ટિટયુટના કોઓર્ડીનેટર અનીતા ચૈહાણ, કન્યા હોસ્ટેલના સુપરવાઈઝર રમીલા હીરાણી અને પટાવાળા નૈના ગોરસિયાની ધરપકડ પણ કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચ્છની મુલાકાત વખતે જ સમગ્ર મામલો બહાર આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. કચ્છ યુનિવર્સિટીએ પણ પોતાની તપાસ આદરી હતી.જો કે, છ મહિના બાદ રજસ્વલા છાત્રાઓ પ્રત્યે સંચાલકો દ્વારા ભેદભાવ આચરવાના  અને કપડાં ઉતરાવવાના આરોપ સાથે એફઆઈઆરની પહેલ કરનારી છાત્રાઓએ તેમની સાથે સમજૂતી કરી લીધી હતી અને હાઈ કોર્ટમાં ચારેય આરોપી સામેની એફઆઈઆર રદ કરવાને સમર્થન આપતી એફિડેવીટ દાખલ કરી હતી. વિદ્યાર્થિનીઓએ એફઆઈઆર માટે આંશિક રીતે મીડિયા પર પણ દોષારોપણ કર્યું હતું. અને કહ્યું હતું કે વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હસ્તક્ષેપ સાથે આરોપીઓ અને ફરિયાદીઓ વચ્ચે સુમેળભરી સમજૂતી થઈ ગઈ છે.આરોપીઓ સામેની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપતાં ન્યાયાધીશ એ.સી. જોશીને જણાવ્યું હતું કે જો અદાલતી કાર્યવાહી આગળ વધશે તો એ વ્યર્થ વ્યાયામ ગણાશે.અને તેનો કોઈ હેતુ સરશે નહીં. માટે એફઆઈઆર રદ કરવી યોગ્ય ગણાશે. ઉલ્લેખનીય છે કે, કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માસિકના પિરિયડ દરમ્યાન બરાબર સ્વચ્છતા રાખે છે કે કેમ તેની ચકાસણી માટે કોલેજના જવાબદારો દ્વારા કપડાં તપાસાયા હોવાનો આરોપ હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer