ગાંધીધામમાં દૂધની ડેરીમાં દારૂ વેચાતો હોવાનો ભાંડાફોડ

ગાંધીધામ, તા. 25 : શહેરના ભારતનગર વિસ્તારમાં દૂધની જગ્યાએ દારૂ વેચતા એક શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસેથી રૂા. 1050ની ત્રણ બોટલ જપ્ત કરવામાં આવી હતી. ભારતનગર વિસ્તારમાં તુલસી ટાવર નજીક આવેલી ઓમ ડેરી ફાર્મ નામની દુકાનમાં પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. આ દુકાનમાં ભારતનગરની બજરંગ સોસાયટીમાં રહેનારો અજય કાના રબારી નામનો શખ્સ થેલો લઈને ઊભો હતો. આ શખ્સ દારૂ  વેચતો હોવાની પૂર્વ બાતમી મળતાં ગઈકાલે રાત્રે પોલીસ આ દુકાને પહોંચી હતી. આ દુકાનમાં રાખેલા વિમલ ગુટખાના કપડાંના થેલાની તલાશી લેવામાં આવી હતી. આ થેલામાંથી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ હાથ ધરતાં તેણે બીજો દારૂ પોતાના ઘરે રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. 11 એ, પ્લોટ નં. 172માં ગાય માટેના ખોળની બોરીઓ વચ્ચેથી વધુ બે બોટલ મળી આવી હતી. તેની પાસેથી રૂા. 1050ની ત્રણ બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ શખ્સ દારૂ કયાંથી લાવ્યો હતો તે હજુ પોલીસની તપાસમાં બહાર આવ્યું નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer