મુંદરાની ભાગોળે મજૂર વસાહતમાં 200 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો

ભુજ, તા. 25 : મુંદરા નજીક અદાણી બંદર તરફ જતા ધોરીમાર્ગ ઉપર વિલમાર કંપનીની સામે આવેલી મીઠાણી લેબર કોલોનીની એક ઓરડીમાંથી 200 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પડાયો હતો. છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા અને અમુક કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા સાડાઉ ગામના ઇસમ સહિત બે આરોપી નાસી ગયા હતા. જ્યારે મુંદરામાં હસનપીર બજાર ખાતે રહેતો નદીમ ઓસમાણ ઉર્ફે મુન્નો જત પકડાયો હતો.વડાલા ગામેથી થયેલી વાહનની ચોરીની તપાસ અન્વયે સાડાઉ વિસ્તારમાં ગયેલી મુંદરા મરીન પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જી.વી. વાણિયાની આગેવાની હેઠળની ટુકડીએ મુંદરા પોલીસ મથકની હદના આ વિસ્તારમાં બાતમીના આધારે વિલમાર સામેની આ મજૂર વસાહતમાં આ દરોડો પાડયો હતો. દરોડા સમયે અગાઉ ડીઝલની ચોરી સહિતના ગુનાઓમાં ચોપડે ચડી ચૂકેલો અને હિન્દુ યુવા સંગઠનના રઘુવીરાસિંહ જાડેજાને સંલગ્ન ઓડિયો-વીડિયો કલીપ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવા સાથે છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહેલો સાડાઉનો અબ્દુલ્લકાદરશા મામદશા સૈયદ અને મુંદરાનો મહેબૂબ ઉર્ફે નેપાળી આ કાર્યવાહી સમયે હાથમાં આવ્યા ન હતા. જ્યારે મુંદરાનો નદિમ ઉર્ફે મુન્નો પકડાયો હતો. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મીઠાણી લેબર કોલોની સ્થિત આ ઓરડીમાંથી 200 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તો પોલીસને 35 લિટરની ક્ષમતાવાળા ડીઝલ ભરેલા બે કેરબા ઉપરાંત કાદરશાનો મોબાઇલ ફોન અને એક છરી મળી આવ્યા હતા. ઓરડીની બહાર પડેલી કાદરશાની સ્વિફટ કારમાંથી પણ એક છરી અને બેઝબોલનો ધોકો મળી આવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer