આદિપુરમાં ઠેકેદાર પર હુમલાના કેસમાં છ આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 25 : આદિપુર પોલીસ મથકમાં અઠવાડિયાં પહેલાં દાખલ થયેલા બાંધકામ ઠેકેદાર ઉપરના હુમલાના કેસમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ મળી કુલ છ આરોપીના જામીન નામંજૂર કરતો ચુકાદો અદાલતે આપ્યો હતો. આદિપુરના રહેવાસી અને બાંધકામ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા ભરત જયરામ પ્રજાપતિ ઉપર ગત તા. 18/9ના સ્કોરપીયો જીપકારમાં આવીને આ હુમલો કરાયો હતો. આ વિશે આદિપુર પોલીસ મથકમાં ગુનો નોંધાવાયા બાદ પોલીસે ધરપકડ કરેલા છ આરોપી રીયાબેન ઇશ્વરગર ગુંસાઇ, આરતીબેન ઇશ્વરગર ગુંસાઇ, નિકુંજગિરિ રાજેશગિરિ ગોસ્વામી, ભચલશા ઇબ્રાહીમશા શેખ, મુમતાઝબેન આમદ લોહાર અને હરિ નરશીં ગઢવીની જામીન અરજી કોર્ટએ નામંજૂર કરતો આદેશ કર્યો હતો.ગાંધીધામ સ્થિત અધિક ચીફ જયુડિશીયલ મેજિસ્ટ્રેટની અદાલત સમક્ષ આ જામીન અરજીની સુનાવણી થઇ હતી. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળી, આધાર-પુરાવા તપાસી ગુનાની ગંભીરતા કેન્દ્રમાં રાખીને તમામ છ આરોપીની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો.  આ સુનાવણીમાં સરકાર તરફે અધિક સરકારી વકીલ ભગવાનદાસ પટેલ અને ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે અંજારના મહમદ ઇકબાલ એ. દેદા હાજર રહયા હતા. આ કેસની પૂર્વ વિગતો એવી છે કે ભોગ બનનારા ઠેકેદાર ભરત પ્રજાપતિએ આરોપી રીયાબેનના મકાનનું બાંધકામ કર્યું હતું. જે કામ પેટે મહેનતાણાના રૂા. 1,20,600 લેવાના બાકી નીકળે છે. આ બાબતે અંજાર ખાતે કેસ પણ ચાલી રહયો છે. દરમ્યાન આ ઉઘરાણી વિશે કહેવા બાબતે હુમલાની આ ઘટના બની હતી. તેવું જે તે સમયે ફરિયાદમાં લખાવાયું હતું. જે દિવસે આ હુમલો થયો તે જ દિવસે આરોપી રીયાબેન સામે અપહરણ સાથે ગાડી ઝુંટવી લેવાનો અન્ય એક ગુનો પણ નોંધાયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer