વધતી જતી મોંઘવારી વચ્ચે ભથ્થું સ્થગિત કરાતાં નિવૃત્તોમાં હતાશા

ભુજ, તા. 25 : કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને દર વરસે જાન્યુ. અને જુલાઈ માસથી બજાર ભાવાંકના આધારે મોંઘવારી ભથ્થાંમાં વધારો મળે છે. પરંતુ ચાલુ વરસે કોરોના મહામારીના પગલે આવી પડેલા વધારાના ખર્ચને કારણે કેન્દ્ર સરકારે આ મોંઘવારી ભથ્થું જાન્યુ.20થી જુલાઈ 21 સુધી સ્થગિત કરતાં હતાશા પ્રવર્તે છે.નિવૃત્ત કર્મચારી વર્તુળોના જણાવ્યા મુજબ એકબાજુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કોરોનાના કારણે આવેલી મંદીને પહોંચી વળવા વેપાર-ઉદ્યોગ, ખેતી વગેરે ક્ષેત્ર માટે રાહત પેકેજ જાહેર કર્યાં છે. જ્યારે બીજીબાજુ કર્મચારીઓને મળતી મોંઘવારી ભથ્થાંરૂપી રાહત સ્થગિત કરી છે જે દુ:ખદ છે. વળી કેન્દ્ર સરકારે આ કોરોના મહામારીને પહોંચી વળવા 20 લાખ કરોડનું બજેટ જાહેર કર્યું છે જેના કારણે આ મોંઘવારી ભથ્થું સ્થગિત કરેલું છે અને આ ભથ્થું સ્થગિત કરવાથી 37 હજાર કરોડની બચત થશે એવું ખુદ કેન્દ્ર સરકારે કહ્યું છે. નોંધનીય બાબત એ છે કે, આ બચતની 37 હજાર કરોડ રૂપિયાની રકમ કોરોના બજેટના 20 લાખ કરોડની માત્ર બે ટકા જેટલી જ રકમ છે, આમ જો 98 ટકા જેટલી  રકમ સરકાર તિજોરીમાંથી ફાળવતી હોય તો માત્ર બે ટકા જેવી મામૂલી રકમ માટે કર્મચારીઓ અને પેન્શનરોની આર્થિક સહાય બંધ કરવાનું કેટલું યોગ્ય છે ? તેવો સવાલ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કર્મચારીઓ અને પેન્શનરોના સ્થગિત કરાયેલાં આ મોંઘવારી ભથ્થાંને સત્વરે છુટાં કરવાં જોઈએ તેવું ઉમેર્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer