બાગાયત સબસિડીના નામે કરોડોનું કૌભાંડ ?

ભુજ, તા. 25 : અન્નદાતાના ભાણાંમાં હાથ નાખી પેટ ભરતા ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગતથી કચ્છ જિલ્લામાં બાગાયત સબસિડીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાની વિગતો બહાર આવી રહી છે. ભુજ બહુમાળી ભવનનો અધિકારી આવી સબસિડી પકવી દેવા 12,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડાયા બાદ જાગૃત કિસાનોએ મોં ખોલ્યું છે.કચ્છમિત્રને કિસાનોએ વિગતો આપતાં કહ્યું કે, સરકાર બાગાયત વાવેતર, ઉછેર, ખાતર, પાણીના ટાંકા, ખેતર-વાડીની વાડ, રોપાનો ખર્ચ, નેટ-ગ્રીન, ટપક સિંચાઈ દરેક માટે સબસિડી આપે છે. જેની ઓનલાઈન અરજી પોર્ટલ ઉપર કરવાની હોય છે. અરજીની ચકાસણી જિલ્લા કક્ષાએ બાગાયત નિયામકની કચેરી દ્વારા સ્થળ તપાસ વગેરે થાય છે. આ સહાય અપાવવા અરજીઓ કરાવવાથી લઈ ચેક અપાવવા સુધી એક એજન્ટ ગેંગ કાર્યરત છે, જે ઉપરથી નીચે સુધી વ્યવહાર પૂરો કરાવી ભાગબટાઈ કરતી હોવાની ચોંકાવનારી વિગતો સાથેના આક્ષેપ કર્યા છે.  ખેડૂતને સમજાવી, હકીકત કરતાં વધુ એકર વાવેતર દર્શાવાય છે. ખર્ચ પણ વધુ બતાવવા ખોટાં બિલ રજૂ કરાવાય છે. આ આંક કરોડોમાં છે. સરકારના શુભ હેતુનો ખોટો લાભ લેનારમાં અમુક કિસાનોની પણ સામેલગીરી હોવાની વાતો પણ ચર્ચાય છે. ઉપરથી નીચે આખેઆખું ભાવબાંધણું નક્કી હોય છે. વિશ્વસનીય સૂત્રો જણાવે છે કે, સરકારની નિષ્પક્ષ એજન્સી દ્વારા આ કથિત કૌભાંડની તલસ્પર્શી તપાસ થાય તો પોતાને ખેરખાં સમજનાર નિર્દયી જવાબદારોના પગ તળે રેલો પહોંચે તેમ છે.  જે કચેરીના કર્મી ખુલ્લેઆમ લાંચ માગતા હોય, સ્વીકારતા હોય તે કચેરીની પૂરતી તપાસ થાય એમાં કોણ કોણ સંડોવાયેલા છે. અંતિમ  સહી કોણ કરે છે ? એની તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થાય તેમ છે. કચ્છમાં બાગાયતનું વાવેતર પુષ્કળ છે. દર વર્ષે સબસિડી સહાય કરોડોમાં ચૂકવાઈ છે. ખેડૂત દીઠ લાખોના ચેક લખાય છે. શું તે નિયમ મુજબ છે ? તેની તપાસ ખેતરોમાં જઈને કરાય તેવી માંગ ઉઠી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer