ચેન્નાઇને ચિત્ત કરવા દિલ્હી બેતાબ

દુબઇ, તા.24 : આત્મવિશ્વાસથી ઓતપ્રોત દિલ્હી કેપિટલ્સ વિરૂધ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સની આવતીકાલ શુક્રવારે ટક્કર થશે.ત્યારે આઇપીએલના તેના ત્રીજા મુકાબલા પહેલી સીએસકે ટીમ તેના બેટિંગ ક્રમ પર મનોમંથન કરવા ઇચ્છશે. શારજાહની બેટિંગ વિકેટ પર રાજસ્થાન સામે મળેલી હાર માટે તેના સ્પિનરોનું ખરાબ પ્રદર્શન અને નિરાશાજનક 20મી ઓવરને જવાબદાર ઠેરવી શકાય છે, પણ બેટધરોને દોષમુકત કહી શકાય નહીં. વિશેષ કરીને મુરલી વિજય, કેદાર જાધવ અને ખુદ સુકાની એમએસ ધોની. ધોની સાતમા નંબરે બેટિંગમાં આવ્યો હતો. તેણે સેમ કરન, કેદાર જાધવ અને ઋતુરાજ ગાયકવાડને ખુદની પહેલા બેટિંગ માટે મોકલ્યા હતા. ધોનીની આ રણનીતિ પૂરી રીતે નિષ્ફળ રહી હતી. માત્ર ફાક ડૂ પ્લેસિસે ફટકાબાજી કરી હતી. ધોનીએ આખરી ઓવરમાં રંગ બતાવીને સિકસરની હેટ્રિક કરી હતી. જો કે ત્યારે મેચ ચેન્નાઇના હાથમાંથી સરકી ચૂકયો હતો. આથી સવાલ ઉઠી રહ્યો છે કે ધોની ચોથા કે પાંચમા ક્રમ પર બેટિંગ કેમ નથી કરી રહ્યો ? બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલા મેચની જીતથી આત્મવિશ્વાસમાં છે. જો કે તેનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ઇજાગ્રસ્ત થયો છે. તેની અનુપસ્થિતિમાં દિલ્હીની બોલિંગ લાઇન અપ નિસ્તેજ બની જશે. જો અશ્વિન ચેન્નાઇ સામેના મેચમાં નહીં રમી શકે તો સીનીયર સ્પિનર અમિત મિશ્રાને અક્ષર પટેલના જોડીદારના રૂપમાં તક મળી શકે છે.  દિલ્હી માટે ફરી એકવાર કાગિસો રબાડા હુકમનો એકકો બની શકે છે. અનુભવી રહાણેને હજુ બહાર બેસવું પડી શકે છે. કારણ કે કોચ પોન્ટિંગ હેટમાયરને વધુ તક આપશે. આ કેરેબિયન બેટસમેન તેની આતશી બેટિંગ માટે જાણીતો છે. પાછલા મેચનો હિરો માર્કસ સ્ટોઇનિસ બિટ હિટર છે. જે સીએસકેના સ્પિનર પીયૂષ ચાવલા અને રવીન્દ્ર જાડેજાને ચુનૌતિ આપી શકે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer