કોડાયની ગૌશાળાને માદા શ્વાનની સ્મૃતિમાં કોરા ચેકનું દાન અપાયું

કોડાયની ગૌશાળાને માદા શ્વાનની સ્મૃતિમાં કોરા ચેકનું દાન અપાયું
કોડાય, તા. 24 : અહીંની પ્રેમ સુબોધ ગૌશાળાને તાજેતરમાં જ્યોતિબેન ઝવેરચંદ ગાલા પરિવાર (દેવપર ગઢ) દ્વારા તેમના મૃતક શ્વાનની સ્મૃતિમાં કોરા ચેકનું દાન અપાયું હતું. માદા શ્વાન `કુકી' દાતા એવા ગાલા પરિવારમાં એક સ્વજન જેવું સ્થાન પામી હતી. તેની વાત પણ રોચક છે. કોડાયના જૈન સંત મુ. વિદ્યાચંદ્રવિજયજી મા.સા.નો બાર વર્ષ પહેલાં ચાતુર્માસ મુંબઈના પ્રભાદેવી ખાતે બિલ્ડર લાઇનના વ્યવસાયી અને મૂળ દેવપરગઢના જિતેન ઝવેરચંદ ગાલાના ઘરે થયા. એ સમય જિતેનભાઈની બાર વર્ષની દીકરી તન્વી સાથે મ.સા.એ પ્રશ્નોત્તરી કરી જેના તન્વીએ સચોટ જવાબ આપી દેતાં જૈન સંતે તેને આશીર્વાદ આપ્યા તથા તેને શું જોઈએ છે તેવું પૂછતાં તન્વીએ એક શ્વાનમિત્રની માગણી જૈન સંત પાસે કરી દેતાં સૌ કોઈ ચોંકી ગયા હતા.પરિવારના સમજાવ્યા બાદ પણ તન્વીએ શ્વાનમિત્ર જ જોઈતું હોવાનું રટણ કર્યું, પરિવારની આનાકાની છતાં છેવટે જૈન સંતે તેની માગણી પૂરી કરવા છેક પૂનાથી તાત્કાલિક ગોલ્ડન રિસીવર નામની ફક્ત એક મહિનાની માદા શ્વાન મગાવી તન્વીને ભેટ આપી.તન્વીએ તેનું નામ `કુકી'  રાખ્યુ. શરૂઆતમાં પરિવારને ઘણી જ તકલીફ ભોગવવી પડતી હતી પરંતુ કુકી અને તન્વીનો પ્રેમ જોઈ અંતે પરિવાર પણ કુકીની દેખભાળ કરવા લાગ્યો. બન્ને એકબીજાને અત્યંત વ્હાલ કરી રહ્યા હતા. છ વર્ષ સાથે રહ્યા બાદ ફાઈનાન્સમાં ગ્રેજ્યુએશન લેવા તન્વીબેને સ્ટન સ્કૂલ ઓફ બિઝનેસ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં એડમિશન લીધા બાદ કુકી અને તન્વીબેન અલગ થયા. કુકીની સાથે બાર વર્ષ સાથે રહ્યા બાદ અંતે તાજેતરમાં ટૂંકી માંદગી અને ઉંમરના કારણે કુકીને પરેલની પશુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જેની જાણ તન્વીબેનને કરતાં તેઓ તાત્કાલિક અમેરિકાથી સ્પેશિયલ ફ્લાઈટમાં મુંબઇ આવી પહોંચ્યા હતા પરંતુ તન્વીબેન આવે ત્યાં સુધી કુકીએ એક જ  દિવસમાં શ્વાસ છોડી દીધા હતા. તન્વીબેનને આવતા એક દિવસ લાગતાં પરિવારે કુકીને કોલ્ડ રૂમમાં રાખવાની વ્યવસ્થા કરી હતી. તન્વીબેન જ્યારે મૃત કુકી પાસે ગયા હતા ત્યારે અત્યંત ભાવુક દૃશ્ય જોવા મળ્યા હતા. તન્વીબેન ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. કુકીની અંતિમવિધિ જૈન ધર્મ મુજબ નવકાર મંત્રો અને અન્ય શાત્રોક્ત વિધિ સાથે હોસ્પિટલમાં જ કરવામાં આવી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer