મેજર પોર્ટ ઓથોરિટી બિલ સામે વિરોધ

મેજર પોર્ટ ઓથોરિટી બિલ સામે વિરોધ
ગાંધીધામ, તા. 24 : કેન્દ્ર સરકાર દ્વારા મેજર પોર્ટ ઓથોરિટી એકટ બિલને પાસ કરવાના વિરોધમાં  દેશભરના મહાબંદરોની સાથે કંડલા મહાબંદર ખાતે પણ કામદાર સંગઠનોએઁ કાળો દિવસ મનાવી બિલ સામે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો.સરકાર હજુ પણ આ દિશામાં આગળ વધશે તો આશ્ચર્યજનક આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ચીમકી કામદાર સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કસ યુનિયન એચ.એમ.એસ કંડલા દ્વારા મેજર પોર્ટ ઓથોરિટી બિલના વિરોધમાં  ગાંધીધામ સ્થિત  પોર્ટના પ્રશાસનિક કાર્યાલયના પ્રવેશદ્વાર પાસે, ગોપાલપુરી ગેટ પાસે ,કંડલા બંદરે નોર્થ ગેટ પાસે અને  ડીપીટી હસ્તકના વાડીનાર બંદર  ખાતે આંદોલનાત્મક કાર્યક્રમો અપાયા હતા. આ વેળાએ કાળો દિવસ લખેલા બેનરો સાથે એકત્ર થયેલા યુનિયનના સભ્યોએ ભારત સરકાર અને પોર્ટ પ્રશાસન વિરૂધ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો પોકારી પોર્ટ પરિસરને ગજવ્યું હતું.  એચ.એમ.એસ. યુનિયનના પ્રમુખ અને ડીપીટીના લેબર ટ્રસ્ટી એલ.સત્યનારાયણે ઓથોરિટી બિલને કામદાર વિરોધી ગણાવી કોઈ પણ સંજોગોમાં  આ બિલને લાગુ થવા નહીં દેવાય તેવું જણાવી ભવિષ્યમાં ફેડરેશનો દ્વારા જે નિર્ણય લેવાશે તે મુજબ   આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. આજે યુનિયનના સભ્યોએ  કાળી પટ્ટી પહેરીને ઓથોરિટી એકટ પ્રત્યે વિરોધની લાગણી વ્યકત કરી હતી. આ બિલને પસાર    કરવા સમયે  કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાની યુનિયનોની  ભલામણને નજરઅંદાજ કરી કર્મચારીઓને મોટું નુકસાન કરવાનો સરકાર દ્વારા  નિર્ણય લેવાયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ બિલના આવવાથી ખાનગીકરણને પ્રોત્સાહન મળશે  અને પોર્ટની સ્થાનિક કામગીરીમાં ઉપરના  સ્તરેથી ચંચુપાત વધશે તેવી ચર્ચા કામદાર આલમમાં  વ્યાપક બની છે. આ વેળાએ યુનિયનના જીવરાજ મહેશ્વરી, અલીમામદ ભાઈ, ઉમર સિદીક, જગદીશ મઢવી, મુકેશ વાસુ, મહેશ અખાણી, મહેશ ગઢવી, વિગેરે જોડાયા હતા. દરમ્યાન કુશળ અકુશળ  અસંગઠિત કામદાર સંગઠન દ્વારા પણ  મેજર પોર્ટ  ઓથોરિટી એકટના વિરોધમાં તેમજ  મંત્રાલય દ્વારા મજૂર  કાયદામાં કરેલા ફેરફારના વિરોધમાં આંદોલનાત્મક કાર્યક્રમો અપાયા હતાં. યુનિયનના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટે એમ.પી.એ બિલને મજૂર વિરોધી ગણાવ્યું હતુ આ બિલના અમલીકરણથી પોર્ટના ભાવિ વિકાસ કામોમાં પીપીપી મોડલથી જ થશે જેથી શ્રમિકોની રોજગારી ઉપર ખતરો ઉભો થશે તેવી દહેશત વ્યકત કરી હતી. આ વેળાએ સંગઠન દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચારો પોકારી એમ.પી.એ બિલ પ્રત્યે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer