ભાડરા ડેમમાં સાફસફાઇ અને સુચારુ પાણી વિતરણ ઝંખી રહ્યા છે કિસાનો

ભાડરા ડેમમાં સાફસફાઇ અને સુચારુ પાણી વિતરણ ઝંખી રહ્યા છે કિસાનો
માતાના મઢ, તા. 24 : અંદાજે 600 એકર પિયત જમીનને આવરી લેતા લખપત તાલુકાના ભાડરા ડેમ પરની પાકી કેનાલમાં મોટા પાયે ગાંડો બાવળ ઊગી નીકળતાં આખી કેનાલમાં ભંગાણની દહેશત સર્જાઇ છે ત્યારે ખેડૂતો બાવળને કપાવી તાત્કાલિક સાફસફાઇ ઝંખી રહ્યા છે. લખપત તાલુકાનાં ભાડરા ડેમ ઉપર ખેતી કરતા ખેડૂતોની મોટી સમસ્યા કેનાલની છે. નાની સિંચાઇ હસ્તકના ભાડરા ડેમ ઉપર પાકી કેનાલ આવેલી છે, જે કેનાલમાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં ગાંડા બાવળો ઊગી આવ્યા છે, તેથી આખી કેનાલમાં ભંગાણ પડી જવાની દહેશત અહીંના ખેડૂતો સેવી રહ્યા છે. આ ડેમ પર ભાડરા, કોટડા મઢ, આશાપર સહિતના ગામોના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, તેઓ જણાવી  રહ્યા છે કે, ભાડરા ડેમ કેનાલ ગાંડા બાવળોના સકંજામાં  જકડાઇ ગઇ છે. મુખ્ય ડેમની પાળ પણ બાવળોથી ઢંકાઇ ગઇ છે. પાળ તેમ કેનાલ ઊગેલા ગાંડા બાવળોની સફાઇ તુરંત કરાવવી અત્યંત જરૂરી છે. સમયસર સફાઇ નહીં થાય તો આ ગાંડા બાવળથી કેનાલ તેમજ મુખ્ય ડેમની પાળને નુકસાની થવાની દહેશત વર્તાઇ રહી છે. અહીંના ખેડૂતો નાછૂટકે મશીન દ્વારા પાણી ઉલેચી રહ્યા છે. તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડાઈ રહ્યું છે, પણ ખેડૂતોની જરૂરિયાત પ્રમાણે પાણી નથી મળી રહ્યું.ડીઝલ મશીનો ડેમ પર લગાવીને પિયત કરવાથી ડીઝલ ખર્ચ પણ ખેડૂતોનાં માથે પડે છે. નાછૂટકે પોતાના પાક બચાવવા ખેડૂતોને મશીનો લગાવવા પડે છે. કેનાલની સફાઇ સમયસર નહીં થાય તો શિયાળુ પાક કરવો મુશ્કેલ બની રહેશે એવી સંવેદનાઓ અહીંના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ બિયારણ, ખાતર, દવાનાં મોઘા ભાવ અને બીજી તરફ મશીનો દ્વારા પાણી ઉલેચવો એ કેમ પરવડે એવો સવાલ અહીંના ખેડૂતો પૂછી રહ્યા છે. અત્રે નાની સિંચાઇ દ્વારા આ ડેમની કેનાલની સફાઇ કરાવી સુચારુરૂપે પાણી વિતરણ કરાય તો ખેડૂતોનો લાખો રૂપિયાનો ડીઝલ ખર્ચ બચી શકે તેમ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer