મુંદરા તાલુકાના અનેક માર્ગો હજુય બિસમાર હાલતમાં હોતાં હાલાકી

મુંદરા તાલુકાના અનેક માર્ગો હજુય બિસમાર હાલતમાં હોતાં હાલાકી
વવાર, તા.24 : મુંદરા તાલુકાના આ ગામને જોડતા હાઈવેથી એકમાત્ર ડામર રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. આ રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે કે રોડમાં ખાડા નથી પણ ખાડામાં રોડ છે એવું લાગી રહ્યું છે. વવારને હાઈ-વેથી જોડતો એકમાત્ર ડામર રોડ છે. આ રસ્તામાં ઘણાં ખાડા પડી જવાથી વાહનચાલકોને સતત અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે.દિવસે તો ઠીક છે પણ રાત્રે આ સમસ્યા વધુ ભયજનક બની જાય છે. ફુલલાઈટથી આવતા વાહનોને કારણે ખાડાઓ દેખાતા નથી તેથી વાહન ખાડામાં પડતાં અકસ્માતોની સંભાવના વધી જાય છે. એક તો આ રસ્તાની સ્થિતિ અત્યંત દયનીય છે અને તેમાં રસ્તે ગાંડા બાવળોનો ઘેરાવો પણ વધી જતાં આ પણ એક મોટી સમસ્યા છે જેનું જલ્દી નિરાકરણ આવે એવી લોક માગણી પ્રવર્તી રહી છે. આ રસ્તો મંજૂર થઈ ગયો છે પણ લોકડાઉનને કારણે કામો ચાલુ થઈ શક્યા નથી. તો મુંદરાથી ગાંધીધામને જોડતા હાઈ-વે પર મોખા ચોકડી પાસે રોડને તોડીને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવામાં આવી છે અને ત્યારબાદ રોડને માત્ર સિમેન્ટથી લીપાં-પોતી કરવામાં આવી છે. આ રોડ પરથી ભારે માલવાહક વાહનો પસાર થાય છે. એક બાજુએ સિમેન્ટ રોડ બેસી ગયો છે અને ઊંડો ખાડો પડી ગયો છે. આ ખાડો ગમે ત્યારે અકસ્માત સર્જશે. આ કંપની દ્વારા રોડ તોડીને પછી રોડને સારી રીતે ન બનાવીને બેદરકારી દાખવવામાં આવે છે. આ બેદરકારી કોઈ નિર્દોષનો ભોગ લે તે પહલાં તંત્રએ લાલઆંખ કરીને માત્ર પોતાનું કામ પૂરું થઈ જતાં લીંપાપોતી કરી જતી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પ્રવર્તી રહી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer