ગાંધીધામમાં યોજાઈ ઓનલાઈન લોકકળાને લગતી કાર્યશાળા

ગાંધીધામમાં યોજાઈ ઓનલાઈન લોકકળાને લગતી કાર્યશાળા
ગાંધીધામ, તા. 24 : અહીંની સંસ્થા ગાંધીધામ લાયોનેસ ક્લબ દ્વારા તાજેતરમાં મધુબની આર્ટ અંગેની ઓનલાઈન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ કાર્યશાળામાં જ  ભાગ લેનારાની સંખ્યા વધી જતાં બે ભાગમાં વર્કશોપ યોજી કલાકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાયોનેસ  ક્લબના પ્રમુખ નેહા વોરાના જણાવ્યા પ્રમાણે પાંચદિવસીય નિ:શુલ્ક વર્કશોપની જાહેરાત થતાં જ 512 વ્યક્તિએ નોંધણી કરાવી હતી. ત્યારબાદ વધુ માંગને ધ્યાનમાં લઈને પ્રથમ કાર્યશાળા પછી તુરંત બીજી કાર્યશાળાનું આયોજન કરાયું હતું. બિહરની લોકકલા - મધુબની આર્ટના વર્કશોપમાં પૂણેના જયશમા ક્રિએશનના નિર્મલા શાહ મુખ્ય પ્રશિક્ષક તરીકે રહ્યા હતા. ભાગ લેનારા દરેકને  દરરોજ સવારે ઓનલાઈન વીડિયો મોકલવામાં આવતો હતો.  લોકો ફુરસદના સમયમાં કલાકૃતિ તૈયાર કરી રાત્રિના 9 વાગ્યા સુધી પોસ્ટ કરતા હતા. પ્રતિભાગીઓ દ્વારા બનાવાયેલી કૃતિ ઉપર મુખ્ય પ્રશિક્ષક પોતાનો અભિપ્રાય આપતા હતા. આ  વર્કશોપમાં સમગ્ર વિશ્વમાંથી 1024 પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. સમાપન વેળાએ મુખ્ય પ્રશિક્ષકનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer