ગાંધીધામ સંકુલમાં ઠેર ઠેર સટ્ટે પે સટ્ટા:જુગારી જોરમાં

ગાંધીધામ, તા,24: જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી કોમ્પ્યુટર ઉપર ધાર્મિક યંત્રોના બહાના હેઠળ ઓનલાઈન આંકડાની માયાજાળ ફેલાયેલી છે. પોલીસ આ અંગે બધું જાણતી હોવા છતાં આંખો ઉપર પટ્ટી બાંધીને બેઠી છે.તેમજ આદિપુર જેવા શહેરમાં કેસીનો પ્રકારના જુગારધામ પણ ધમધમી ઊઠયા છે.આ સંકુલમાં આઈ.પી.એલ.ની સાથે ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો પણ પૂરબહારમાં ખીલી ઊઠયો છે. આ સંકુલમાં છેલ્લા લાંબા સમયથી કોમ્પ્યુટર ઉપર ધાર્મિકયંત્રોના બહાના હેઠળ આંકડાની માયાજાળ ફેલાયેલી છે. થોડા સમય પહેલાં એલ.સી.બી.એ આદિપુરમાંથી આવા એક અડ્ડા ઉપર છાપો મારીને સંતોષ માની લીધો હતો. હવે બધું બંધ થઈ ગયું હોય તેમ માનીને પોલીસ આંખો ઉપર પટ્ટી બાંધીને બેઠી છે. ખરેખર ગાંધીધામના એ.ડિવિજન પોલીસ મથકથી 200 કે 300 મીટર દૂર 9 બી ચોકડી તરીકે ઓળખાતા  અને સતત ધમધમતા આ વિસ્તારમાં આવી બે દુકાનો ધમધમી રહી છે. પોલીસના નાક નીચે આવી બદી ચાલી રહી છે છતાં પણ પોલીસ મૂકપ્રેક્ષક બનીને બેઠી હોવાનું લોકો જણાવી રહ્યા છે. શહેરના નહેરૂ પાર્ક નજીક સામેના ભાગે પણ એક દુકાનમાં આવી બદી ધમધમી રહી છે. ભારત નગર, ખોડિયાર નગર, ઓસ્લો નજીક, ટ્રાન્સપોર્ટ નગરમાં પેટ્રોલ પમ્પ પાછળ, રેલ્વે કોલોની નજીક, ચાવલા ચોક નજીક વગેરે વિસ્તારોમાં આ બદી ફુલ્લ સ્વિંગમાં દોડી રહી છે. તો આદિપુરમાં પણ અનેક જગ્યાએ આ બદી ફાટીને ધુમાડે ગઈ છે. આ સંકુલમાં વીસેક જગ્યાએ આવી દુકાનો આવેલી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.તેમજ આદિપુરમાં મદનસિંહ ચોક નજીક ચાની દુકાન પાછળ મશીનથી કેસીનો પ્રકારનું જુગારધામ ધમધમી રહ્યું છે.આ અંગે સામાન્ય લોકોને પણ ખબર છે ત્યારે પોલીસને આવું કોઈ જ નહીં દેખાતું હોય તેવું લોકો પૂછી રહ્યા છે.ગાંધીધામથી ભચાઉ વચ્ચે અનેક જગ્યાએ ભંગાર ચોરી, લાકડા ચોરી, કોલસા ચોરી, તેલ ચોરી, ટાઈલ્સ ચોરી વગેરે બદીઓ તો લટકામાં ચાલી રહી છે. આ સમ્રગ સંકુલમાં ફરીથી આંકડાની બદીએ પણ ફૂંફાડા મારવાનું ચાલુ કર્યુ છે. અંતરંગ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ તમામ પ્રકારનો વ્યવહાર મલાઈદાર એક શાખા પાસે હતો.પરંતુ છેલ્લા થોડાક દિવસોથી આ વ્યવહાર અન્ય મલાઈદાર શાખાને ફાળવી દેવાતા ગુજરાતનો આવો પહેલો બનાવ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.આ સંકુલમાં ભંગારના વાડા પણ ધમધમી રહ્યા છે જેમાં મોટા ભાગના વાડાઓમાં ચોરી કે છળકપટથી મેળવાયેલો માલ આવતો હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસ ધારે તો આવા વાડાઓની તપાસ કરી ચોરીના અનેક બનાવોના ભેદ ઉકેલાય તેમ છે પરંતુ આવુ કાંઈ જ થયું નથી. અગાઉ આવા લોકોને માલ કોણ આપવા આવ્યું હતું તેની વિગતો રાખવાની હતી પરંતુ હવે આવું કોઈ કરતું નથી. જે ચિંતાજનક છે. આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ચાલુ થવાની સાથે જ અહીં બુકીઓ મેદાનમાં આવી ગયા છે. શહેરના લીલાશાહ નગર , ગુરૂકુળ વિસ્તાર વગેરે વિસ્તારોમાં ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે જેનાથી પોલીસ સાવ અજાણ હોય તેવું પણ નથી.. તો હોમગાર્ડમાથી તગેડી મુકાયેલા અમુક શખ્સોએ દારૂની હોમ ડિલિવરી શરૂ કરી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. શહેરની મુખ્યપોસ્ટ ઓફિસની લાઈનમાં શિપિંગની બે મુખ્ય કચેરીઓના સામેના ભાગમાં કેબિનોમાં શરાબની બાટલીઓ વેચાતી હોવાનું ગુપ્તચર સંસ્થાના લોકો જણાવી રહ્યા છે. રેલ્વેની હદમાં પણ અંાકડાની કેબિનો ગોઠવાઈ ગઈ હોવાનુ સૂત્રો જણાવી રહ્યા છે.જો આવી બદીઓ ઉપર વહેલી તકે અંકુશ નહીં મૂકવામાં આવે તો આ સંકુલનું યુવાધન ખલાસ થઈ જશે.આવી બદીઓના કારણે અગાઉ અનેક ઘર બર્બાદ થયા છે.અનેક લોકો પાયમાલ થયા છે. પૈસા હારેલા અમુક લોકોએ આપઘાત કર્યાના પણ બનાવો બની ચૂકયા છે.ઉપરી રાહેથી આવા તમામ ધંધાઓ બંધ કરાવાય તેવુ જાગૃત લોકો ઈચ્છી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer