જિલ્લા પંચાયતની સામાન્યસભા નહીં યોજાય ?

ભુજ, તા. 24 : જિલ્લા પંચાયતની વર્તમાન બોડીની છેલ્લી સામાન્યસભા આગામી મંગળવાર  તા. 29ના યોજવાની જાહેરાત વચ્ચે યોજાશે કે કેમ તે વિશે તર્ક-વિતર્ક જાગ્યા હતા. એકતરફ પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ગડા પાટિયાની વાયબલ ખાતે દાખલ થયા છે. જિલ્લા પંચાયત સ્થિત તેમની કચેરીને બંધ કરી શુક્રવારે સેનિટાઈઝ કરવાની વાતો સંભળાય છે પછી શનિ-રવિ રજા અને સોમવારે ખૂલે પણ પ્રમુખ કવોરેન્ટાઈન હોવાથી સામાન્યસભા યોજાય તો અધ્યક્ષપદ સંભાળવાની તક ઉપપ્રમુખને મળે.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની ગાંધીનગર બદલી કરાઈ છે. તેમના સ્થાને કોઈની નિયુક્તિ કરાઈ નથી તેમ કોઈને હવાલો સોંપવાની પણ આજ સાંજ સુધી જિલ્લા પંચાયતને સરકાર દ્વારા સૂચના આપાઈ નથી તેવું જાણવા મળે છે.આમ પ્રમુખ અને ડીડીઓની ગેરહાજરી વચ્ચે સામાન્યસભા ન યોજાય તે માટે સત્તાપક્ષ દ્વારા સત્તાપક્ષના સભ્યોને હાજર ન રહેવા કહેવાય જેથી કોરમના અભાવે મુલતવી રહે તેવી સંભાવના સૂત્રોએ દર્શાવી હતી. ઉપપ્રમુખ નિયતિબેન પોકાર માટે સામાન્ય સભાના પ્રમુખ સ્થાનેથી સંચાલન કરવાની તક તેમના નસીબમાં હશે તો સાંપડશે તેવું સૂત્રો માની રહ્યા છે. કારણ કે આ તેમના માટે પ્રથમ અવસર છે. સૂત્રોનું માનીએ તો આમ પણ સામાન્યસભાના એજન્ડામાં ખાસ મુદ્દા ન હોવાનું દર્શાવાયું હતું તેથી પંદરેક મિનિટમાં પૂરી કરી નાખવાની તૈયારી હતી. બીજીબાજુ જિ.પં.ના પૂર્વ સત્તાપક્ષના નેતા જયંતભાઈ માધાપરિયાએ જણાવ્યું હતું કે, લોકસભા અને વિધાનસભામાં પણ જો સભ્યોની કોરોનાને લઈને તપાસ કરાતી હોય તે પછી પ્રવેશ અપાતો હોય તો જિલ્લાની સંસદ ગણાતી જિલ્લા પંચાયતની સામાન્યસભામાં પણ સદસ્યોને પ્રવેશ આપવા પહેલાં તાવ  તાવ કે કોરોના સંક્રમણ નથી તેની યોગ્ય તપાસ બાદ જ પ્રવેશ અપાય તેવી કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરાશે, પણ તેમના મનસૂબા પણ ફળીભૂત ન થવાની સંભાવના પણ સૂત્રો નકારી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer