લ્યો કરો વાત..., એશિયાના ધનાઢ્ય બળદિયા ગામની પોસ્ટ ઓફિસમાં નેટના અભાવે લેવડદેવડ બંધ... !!

કેરા (તા. ભુજ), તા. 24 : સરકારને અબજોની થાપણ આપતું તાલુકાનું બળદિયા ગામ સરકારી સેવામાં એટલું અણમાનીતું છે કે છેલ્લા 13 દિવસથી ઈન્ટરનેટમાં વપરાતું 700 રૂપિયાનું મોડેમ બગડી જતાં પોસ્ટ ઓફિસમાં રૂપિયાની લેવડદેવડ બંધ કરી દેવાઈ છે. વ્યાજ ઉપર નભતા લોકો પરેશાન થઈ ગયા છે.વાત જાણે એમ છે કે, બળદિયા ગામની પોસ્ટ ઓફિસમાં નાણાની લેવડદેવડ બંધ છે. બાજુના ગામમાં 25 હજારથી વધુ જમા ન લેવાનો નિયમ છે તો જેને નાણા જમા કરાવવાં કે ઉપાડવાં છે એને મુશ્કેલી પડી રહી છે. આવી વાત કચ્છમિત્ર સમક્ષ થાપણદારો પૈકીના જાગૃત નાગરિકોએ પહોંચાડી હતી. જનહિતમાં પૃચ્છા કરતાં પોસ્ટ માસ્તર એમ. એસ. ડામોરે જણાવ્યું કે હા, મોડેમ ઊડી ગયું છે. બી.એસ.એન.એલ.નું નેટ કામ કરતું નથી. ઈન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે લેવડદેવડ બંધ છે. આ કામ પોસ્ટ તંત્રનું છે. અગાઉ પણ બળદિયામાં સ્ટાફની અછત અને અન્યત્ર પ્રતિનિયુક્તિના પ્રશ્નો સતાવતા હતા. હવે ઈન્ટરનેટનો પ્રશ્ન નડી રહ્યો છે. અલબત્ત જાગૃત થાપણદારો કહે છે કે, આજના જમાનામાં વ્યક્તિગત પણ નેટ વગર ચાલતું નથી ત્યાં અબજોની થાપણ ધરાવતી આ જવાબદાર સરકારી કચેરીને કેમ ચાલે ? લોકો ઈચ્છે છે કે સત્વરે સમસ્યા ઉકેલાય અને લેવડ-દેવડ શરૂ કરવામાં આવે તો પેન્શન, વ્યાજ અને માસિક બાંધી આવક પર નભતા લોકોને રાહત થાય. ભુજ હેડ ઓફિસનો સંપર્ક કરતાં જણાવાયું કે, આ ફોલ્ટ  દૂર કરવાની જવાબદારી બળદિયા પોસ્ટ માસ્તરની છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer