સુખપરમાં ટ્રક હડફેટે એક્ટિવા આવી જતાં સામત્રા ગામના યુવાને જીવ ગુમાવ્યો

ભુજ, તા. 24 : તાલુકાના સુખપર ગામે પાછળથી પૂરપાટ આવી રહેલી ટ્રકની ટકકર લાગતાં એક્ટિવા સ્કૂટરના ચાલક  તાલુકાના સામત્રા ગામના સંજય નારાણ માંગલિયા (ઉ.વ.22)ને મોત આંબી ગયું હતું અને સહસવાર સામત્રાના નીલેશ નારાણ મહેશ્વરી (ઉ.વ.21)ને ઇજાઓ થઇ હતી. જયારે બીજીબાજુ અબડાસામાં મોથાળા ગામના પાટિયા નજીકના રોડ ઉપર પાછળથી આવી રહેલી કારની ટકકર લાગતાં બાઇકના ચાલક બાલાચોડ (અબડાસા) ગામના 62 વર્ષની વયના ઓસમાણ અલીમામદ લુહારની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી.પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લેવા પટેલ ચોવીસીના સુખપર ગામે બસ સ્ટેન્ડ પાસેની શાક મારકેટ નજીક આજે સવારે જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં જી.જે.12-ડી.એફ.-2131 નંબરના એક્ટિવા સ્કૂટર ઉપર સામત્રાથી ભુજ તરફ આવી રહેલા સામત્રાના સંજય માંગલિયા અને નીલેશ મહેશ્વરીનું આ દ્વિચક્રી પાછળથી આવી રહેલી ટ્રકની હડફેટે આવી ગયું હતું. આ કિસ્સામાં અત્યંત ગંભીર ઇજાઓ પામેલા સંજયનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. જયારે ઘાયલ થયેલા નીલેશને અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ  કરાયો હતો. માનકૂવા પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની છાનબીન હાથ ધરી છે. જયારે મોથાળા પાટિયાથી મોથાળા ગામ તરફ જતા માર્ગ ઉપર ભારત પેટ્રોલપંપ નજીક પણ આજે સવારે જ બાલાચોડ ગામના ઓસમાણ લોહારને જીવલેણ અકસ્માત નડયો હતો. આ હતભાગી વૃઘ્ધ બાઇકથી મોથાળા ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી 5052 નંબરની કારની ટકકર લાગતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઇજાઓ પામેલા બાઇકના ચાલકને સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમનો જીવનદીપ બુઝાયો હતો. તેમ પોલીસે જણાવ્યું હતું. નલિયા પોલીસે તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer