કેરાના સરપંચને હોદ્દાથી દૂર કરવા વિકાસ કમિશનરનો હુકમ : ઉપસરપંચને ચાર્જ

કેરા (તા. ભુજ), તા. 24 : અધિક વિકાસ કમિશનર ગાંધીનગરે કેરાના લાંચ કેસ ડિમાન્ડમાં આરોપી સરપંચ દિનેશભાઇ હરજી મહેશ્વરીને પુન: સરપંચનો ચાર્જ સોંપણીનો જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ રદ્દ કરતો હુકમ કર્યો હતો અને ગુનો નોંધાયો હોવાથી પુન: ચાર્જ સોંપણી કાયદા વિરુદ્ધ હોવાનું નોંધી ઉપસરપંચને ચાર્જ સોંપવા નિર્દેશ કર્યો હતો. લોકોની ભારે આશા-આકાંક્ષા વચ્ચે બહુમતથી ચુંટાયેલા યુવા સરપંચ દિનેશભાઇ હરજી મહેશ્વરીને 13 દિવસ પહેલાં બહાલ કરાયા હતા તે નિર્ણય સામે ઉપસરપંચ દિનેશભાઇ દેવજી હાલાઇએ અધિક વિકાસ કમિશનરમાં અપીલ દાખલ કરી હતી જે મંજૂર રાખી નવો હુકમ કર્યો હતો. જેમાં લાંચ ડિમાન્ડ કેસમાં જેલ ભોગવી ચૂકેલા અને જેના પર ફોજદારી  ગુનો દાખલ થયેલ છે તે વ્યક્તિને ચાર્જ સોંપણી કાયદા વિરુદ્ધ હોવાનું નોંધ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંચ છટકામાં ફરિયાદી પરિવારે પણ એ.સી.બી.ને રજૂઆત કરતાં કહ્યું હતું કે, જો આરોપીઓને હોદ્દે પુન: નિયુક્ત કરાય તો ફરિયાદ કરવા કોણ તૈયાર થશે ? અંતે નવો હુકમ થતાં કેરાના પંચાયતી વર્તુળોમાં ફરી ચર્ચા જાગી હતી. સરપંચ અને ઉપસરપંચ એક જ પેનલમાંથી ચુંટાયા હતા. આ પંચાયતની મુદ્દત હવે એક વર્ષ બાકી રહી છે. કેરામાં તાલુકા અને જિલ્લા પંચાયત બેઠક પણ હવે અનુ. જાતિ રોટેશન મુજબ જાહેર થઇ ચૂકી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer