નખત્રાણાના નવાનગરની નવી પાણીની લાઈન 15 દિ''માં તૂટી ગઈ

નખત્રાણા, તા. 24 : આ નગરના પાંચેક હજારની વસતી ધરાવતા નવાનગરના રહેવાસીઓ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. હાલે થોડાક સમય અગાઉ ગ્રામ પંચાયત દ્વારા મોટો ખર્ચ કરવામાં આવ્યો  હતો તેમ છતાં પી.વી.સી.ની પાણીની લાઈન ઠેક ઠેકાણે તૂટી ગઈ છે. જેના કારણે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા લોકોએ વ્યક્ત કરી હતી. આ નવી લાઈન ચાલુ થઈ તેને માંડ પંદર દિવસ થયા છે ત્યાં આ પાણીની પાઈપ લાઈન જ્યાં જુઓ ત્યાં તૂટી રહી છે. જેના કારણે નીચેના વિસ્તારમાં પાણી પહોંચતું જ નથી. તો ઉપરવાસમાં પણ પાણીની મુશ્કેલી બે દિવસના અંતરે પાણી મળે છે અને તે પણ માત્ર બે કલાક. આ બાબતે વારંવાર ફરિયાદ કરતાં જવાબ મળે છે, નવો બોર બનવાનો છે. ક્યારે બનશે તે તો રામ જાણે. બીજીતરફ આ વિસ્તારના ગાડી સર્વિસિંગ કરતા લોકોને લીલાલહેર છે. તેઓ મોટા ટાંકા બનાવી પાણીનો બેફામ ઉપયોગ કરે છે. હવે આ વિસ્તારમાં નિયમિત પાણી મળે તે માટે પંચાયતે સક્રિય કામગીરી આ બાબતે કરી સમસ્યાનો નિવેડો લાવવો જોઈએ. તો આ વિસ્તારના પંચાયતના સભ્યોને પણ કાંઈ પડી ન હોવાના આક્ષેપ સાથે તેમના પાસેથી કોઈ આશા-અપેક્ષા રાખવાનો પ્રશ્ન જ નથી તથા સફાઈ વેરો, લાઈટ વેરો છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત પૂરેપૂરો લેવામાં આવે છે તેમ છતાં બે દિવસે પીવાનું પાણી શા માટે મળે તેવો પ્રશ્ન જીતુભા જાડેજાએ ઉઠાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer