ટૂંકાગાળાના જામીન બાદ પુન: જેલમાં હાજર ન થનારા સલાયાવાસીનું વોરન્ટ કઢાયું

ભુજ, તા. 24 : હાઇકોર્ટના આદેશથી ટૂંકાગાળાના જામીન ઉપર મુકત થયેલો માંડવી પાસેના સલાયા ગામનો ખૂનકેસનો આરોપી રમજાન હાસમ હાલા નિયત સમય પૂર્ણ થયા છતાં ફરી જેલમાં હાજર ન થતાં તેનું વોરન્ટ કાઢવાનો આદેશ કરાયો છે.સલાયાના સલીમ ઇબ્રાહીમ ચૌહાણની હત્યાના કેસમાં રમજાન હાલા સહિત ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. મુખ્ય આરોપી રમજાને કુટુંબની સારસંભાળ અન્વયે હાઇકોર્ટના હુકમથી ટૂંકાગાળાના જામીન મેળવતા તેને પાલારા જેલ ખાતેથી ગત તા. 30મી ઓગસ્ટના તા. 10/9 સુધી મુકત કરાયો હતો. દરમ્યાન જામીનની સમયમર્યાદા પૂર્ણ થવા છતાં રમજાન હાજર ન થતાં મરનારના પિતાએ ભુજમાં દશમા અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ જાણ કરતા સુનાવણીના અંતે રમજાનનું ધરપકડ વોરન્ટ કાઢતો આદેશ કરાયો હતો. આ સુનાવણીમાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ ડી.જે. ઠકકર અને ફરિયાદ પક્ષ વતી વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી.વોરા, અતુલ નેમચંદ મહેતા અને હિંમતાસિંહ કે. ગઢવી રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer