ભુજમાં બારીની ગ્રિલ તોડી અડધા લાખની ઘરફોડી

ભુજ, તા. 24 : શહેરમાં અરિહંત નગરમાં રહેતા રીટાબેન ભગવાનગર ગોસ્વામીના ઘરની બારીની ગ્રિલ તોડીને કોઇ હરામખોરોએ રૂા. 56500ની માલમતાનો હાથ માર્યો હતો. તો બીજીબાજુ મુંદરા તાલુકામાં સાડાઉ ત્રણ રસ્તા ખાતે દુકાનના શટરના તાળાં તોડીને રૂા. 13 હજારની માલમતા તફડાવી જવાઇ હતી. જયારે ભુજમાં જ એસ.બી.આઇ. બેન્ક ખાતે બેગમાંથી રૂા. દશ હજારની રોકડ રકમ ચોરી થવાનો કિસ્સો બહાર આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ ભુજમાં અરિહંત નગર ખાતે રહેતા અને બ્યુર્ટીપાર્લરનો વ્યવસાય કરતા રીટાબેન ગોસ્વામીના રહેણાંકના મકાનને તસ્કરોએ ગતરાત્રે અઢી વાગ્યાથી સવારે સાત વાગ્યા દરમ્યાન નિશાને લીધું હતું. આ મકાનના હોલની બારીની ગ્રિલ તોડીને તે વાટે હરામખોરો ઘરમાં ઘુસ્યા હતા અને તેમણે તિજોરીનું લોક તોડયું હતું. તિજોરીમાંથી રૂા. ત્રણ હજાર રોકડા અને સોનાચાંદીના દાગીના મળી કુલ્લ રૂા. 56500ની માલમતા તેઓ ઉઠાવી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે કોન્ટ્રાકટરના ઘરમાંથી પોણો લાખની માલમતા ચોરાઇ હતી. ઉપરાઉપરી બનતા ઘરફોડીના આવા કિસ્સાઓ થકી નગરજનો ચિંતિત બન્યા છે. એ. ડિવિઝન પોલીસે ચોરીની તપાસ હાથ ધરી છે.  બીજીબાજુ મુંદરા તાલુકામાં સાડાઉ ગામના ત્રણ રસ્તા ખાતે પાનબીડીની દુકાન ધરાવતા સાડાઉ વાડી વિસ્તારના રહેવાસી શકુર ઓસમાણ જુણેજાની દુકાન તૂટી હતી અને તેમાંથી રૂા. 13 હજારની માલમતા ચોરી જવાઇ હતી. દુકાનના માલિકે લખાવેલી ફરિયાદને ટાંકીને પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે દુકાનના શટરના તાળાં તોડીને તેમાંથી રૂા. પાંચ હજાર રોકડા તથા રૂા. આઠ હજારની કિંમતનો સિગારેટ, પાનમસાલા, બિસ્કીટ, તમાકુ વગેરેનો જથ્થો તફડાવી જવાયો હતો. ગતરાત્રિ દરમ્યાન બનેલા આ બનાવ વિશે ગુનો દાખલ કરીને મુંદરા મરીન પોલીસ મથકે તપાસ હાથ ધરી છે.  દરમ્યાન જિલ્લા મથક ભુજમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ ખાતે કાર્યરત એસ.બી.આઇ. બેન્ક ખાતે ગોકુલધામ સોસાયટી માધાપરના રહેવાસી હરદેવાસિંહ બહાદુરાસિંહ રાણાની રૂા. દશ હજારની રોકડ રકમ ચોરાઇ હતી. શ્રી રાણાએ આ રોકડ રકમ તેમની કાળા રંગની બેગમાં રાખી હતી. શ્યામ વર્ણનો અને મજબૂત બાંધાનો અજ્ઞાત શખ્સ આ રોકડ ચોરી ગયો હતો તેવું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. બી. ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer