કોટડા મઢની નદીમાંથી રેતીની ચોરીનું ગેરકાયદે ઉત્ખનન ઝડપી પડાયું

ભુજ, તા. 24 : જિલ્લામાં ચોમેર વકરેલી ખનિજ તત્ત્વોની ચોરીની પ્રવૃત્તિ તંત્રના વ્યાપક પ્રયાસો છતાં કાબુમાં આવવાનું નામ લેતી નથી. તાજેતરના દિવસોમાં આ બાબતે વ્યાપક કામગીરી થયા બાદ હવે લખપત તાલુકાના કોટડા (મઢ) ગામની નદીમાંથી રેતીની ગેરકાયદે ચોરીનું કારસ્તાન ઝડપાયું છે. પોલીસે કરેલી આ અંગેની કાર્યવાહીમાં લાખોની કિંમતના વાહનો અને યંત્ર કબજે કરાયાં છે. પોલીસ સાધનોએ આપેલી જાણકારી અનુસાર કોટડા (મઢ) ગામની નદીમાં અમુક ઇસમો દ્વારા યંત્ર લગાવી વાહનો મારફતે રેતીની ધુમ ચોરી થઇ રહી હોવાની દયાપરના ફોજદાર એ.એમ.ગેલોતને બાતમી મળ્યા બાદ તેના આધારે હાથ ધરાયેલી કાયદાકીય કાર્યવાહીમાં ખનિજની ચોરીનો આ મામલો ઝડપાયો હતો. આ પ્રકરણમાં બનાવના સ્થળેથી એક જે.સી.બી. યંત્ર અને રેતીના પરિવહન માટે વપરાતાં બે ટ્રેકટરો મળી આવ્યાં હતાં. લાખો રૂપિયાની કિંમતના આ વાહનો-યંત્ર પોલીસ દ્વારા કબજે લેવાયાં હતાં. તો બનાવ વિશે ખાણખનિજ ખાતાને જાણ કરાઇ હતી. આ સમગ્ર પ્રક્રિયા રોયલ્ટી અને પાસ-પરમિટ વગર થતી હોવાનું પણ વાહનો અને યંત્રના ચાલકોની પ્રાથમિક તપાસ-પૂછતાછમાં સપાટીએ આવ્યું હતું. અલબત આ કિસ્સામાં કોઇની અટક કરાઇ હોવાની વિગતો પોલીસ દ્વારા જાહેર કરાઇ નથી. જેના કારણે ખનિજચોરીની આ પ્રવૃત્તિ કોણ કરાવતું હતું તેના સહિતની વિગતો બહાર આવી નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer