અંજારની ભાગોળે ચાર લાખની લૂંટ

ગાંધીધામ, તા. 24 : અંજારના જકાતનાકા વિસ્તાર પાસે વેપારી એવા કાકા અને ભત્રીજાની આંખોમાં મરચાની ભૂકી નાંખી બે લૂંટારૂઓ રોકડા રૂા.4.05,000ની લૂંટ કરી નાસી ગયા હતા.  આ પ્રકરણમાં શકમંદોની પૂછપપરછ સાથે સી.સી.ટીવી કેમેરા વિગેરેની સર્વગ્રાહી તપાસ હાથ ધરવામાં આવી છે. અંજારના દબડા વિસ્તાર અયોધ્યા નગરમાં રહેતા સુનિલ ગોવિંદ હડીયા (સોરઠીયા) નામના યુવાન અંજારમાં આવેલા અભિષેક કોમ્પલેક્ષમાં શ્રેય મની ટ્રાન્સફર નામની ઓફિસ ચલાવે છે. આ ફરીયાદી ગઈકાલે  સાંજે પોતાની ઓફિસે ગયા હતા જયાં તેમના કર્મચારીઓએ ગઈકાલનો હિસાબ આપી રોકડા રૂા. 4,05,000 તેમને આપી દીધા હતા અને આ કર્મીઓ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. આ યુવાન પોતાની ઓફિસે હતો ત્યારે તેમનો ભત્રીજો શ્રેય ટયુશનમાંથી પરત આવી તેમની ઓફિસે  ગયો હતો.આ બન્ને કાકા -ભત્રીજો બાઈક ઉપર સવાર થઈને ઘરે જવા નીકળ્યા હતા. ફરીયાદી યુવાને રોકડ રૂપિયા ભરેલો થેલો પોતાની બાઈકની ટાંકી ઉપર આગળના ભાગે રાખ્યો હતો. આ બાઈક જકાતનાકા વિસ્તાર પાસે પહોંચતાં પાછળથી એક પલ્સર બાઈક આવ્યું હતું. જેમાં સવાર એક શખ્સે થેલો ઝૂંટવી લીધો હતો અને કાકા ભત્રીજાની આંખોમાં મરચાની ભૂકી છાંટી નાસી ગયા હતા. આંખોમાં મરચાંની ભૂકીના કારણે ફરિયાદીની બાઈક વીસેક ફૂટ આગળ ગયા બાદ સ્લીપ થઈ જતાં કાકા-ભત્રીજો પટકાયા હતા. ફરિયાદીએ રાડારાડ કરતાં લોકો એકત્ર થઈ ગયા હતા. પરંતુ તેવામાં તો આ લૂંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.પલ્સર બાઈકથી આવેલા આ બન્ને શખ્સો મધ્યમ બાંધાના હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેમજ સી.સી.ટીવી કેમેરાની તપાસ કરાતાં આ બન્ને નાગલપર બાજુ જતા હોવાનું  બહાર આવ્યું હતું. લૂંટના આ પ્રકરણમાં શકમંદ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે.  દોઢ કરોડની પીસ્તાના જથ્થાની લૂંટના બનાવ બાદ વધુ એક લૂંટનો બનાવ બનતાં લોકોમાં ભારે ચકચાર પ્રસરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer