જખૌ પાસેના દરિયામાં ભારતીય બોટ પર ગોળીબાર

ભુજ, તા. 24 : માછીમારીની સિઝન શરૂ થવાની સાથે પડોશી રાષ્ટ્ર પાકિસ્તાન દ્વારા મધદરિયે થતી નાપાક હરકતો ક્રમશ: વધવા લાગી છે. ચાલુ ઋતુમાં બે તબક્કે 56 ભારતીય માછીમારના અપહરણની ઘટના બની ચૂકયા બાદ હવે પાકિસ્તાની મરિન કમાન્ડો દ્વારા પોરબંદરની બોટ ઉપર કચ્છના જખૌ નજીકના સમુદ્રમાં ગોળીબાર સહિતની હરકત કરાયાનો મામલો બહાર આવ્યો છે. આ કિસ્સામાં પોરબંદરની બોટના એક ખલાસીને ઇજા પણ થઇ હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ સરહદે જખૌ નજીકના ભારતીય હદના દરિયાઇ વિસ્તારમાં ગોળીબારની આ ઘટના બની છે. પાકિસ્તાની મરિન કમાન્ડો દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસી આવીને પોરબંદરની બોટ ઉપર ગોળીબાર કરાયો હોવાની વિગતો બહાર આવી છે. અચાનક થયેલા આ ગોળીબાર થકી આ સમુદ્રી વિસ્તારમાં માછીમારી કરી રહેલા માછીમારો અને તેમની બોટોની નાસભાગ મચી હતી. ગોળીબારમાં પોરબંદરની બોટના એક ખલાસીને ઇજા થયાનું પણ બહાર આવ્યું છે. અલબત્ત આ ઘાયલનું નામ હજુ જાણવા મળ્યું નથી. ગોળીબાર સહિતના આ હુમલા સહિતની સમગ્ર હરકતના પગલે સાગર સરહદનું રક્ષણ કરતા ભારતીય સુરક્ષા તંત્રોએ તેમની ચોકસાઇ અને ચોકીપહેરો વધારી દીધો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારી માટેની હાલની સિઝન શરૂ થયા બાદ અત્યાર સુધી પહેલા છ અને બાદમાં 10 મળી કુલ 16 બોટ સાથે 56 માછીમારનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરાઇ ચૂકયું છે. તેવામાં ફરી ગોળીબાર સહિતનો આ કિસ્સો બનતા સાગરસીમાનો સમગ્ર મામલો ગરમ અને નાજુક બની ગયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer