આદિપુર તોલાણી પોલીટેકનિક ખાતે મિડ સેમેસ્ટરની પરીક્ષાઓ પાર પડાઈ

ગાંધીધામ,તા.24: આદિપુરની ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત તોલાણી પોલીટેકનિક કોલેજના શિક્ષકોએ કોરોનાકાળમાં મિડ સેમેસ્ટરની પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન પાર પાડી `શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય-નિર્માણ ઉસકી  ગોદમેં પલતે હૈં' કહેવતને સાર્થક કરી હતી. કોરોનાકાળમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી આ આયોજન પાર પાડયું હતું. કોલેજના આચાર્ય પ્રે. જે.કે. રાઠોડના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણના કપરા કાળમાં  પણ કોલેજે પોતાનો ડંકો વગાડયો છે. લોકડાઉનના સમયમાં પણ કોલેજે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું છે. જ્યારે 22 જૂનથી ત્રીજા અને પાંચમા સેમેસ્ટરનો અભ્યાસક્રમ ઓનલાઈન ચાલુ છે.  તાજેતરમાં ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની એમ.સી.કયુ. બેઝ ઓનલાઈન પરીક્ષાનું આયોજન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 97.75 ટકા  વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ ઓનલાઈન પરીક્ષા ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના ધારાધોરણો પ્રમાણે યોજવામાં આવી હતી.  વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે મોક ટેસ્ટ પણ યોજાઈ હતી.પરીક્ષાના આરંભ પહેલાં વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં વીડિયો મારફત સૂચના આપવામાં આવી હતી. લોકડાઉન સમયે બિહાર ગયેલા અને પરત ન આવી શકેલા ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન વર્ગમાં નિયમિત હાજરી આપી હતી અને આ ઓનલાઈન પરીક્ષા પણ ત્યાંથી આપી હતી. આયોજનના મુખ્ય કો-ઓર્ડિનેટર તરીકે કોમ્પ્યુટર શાખાના વડા પ્રો. હની ગુરનાણી રહ્યા હતા. જ્યારે અન્ય વિભાગમાં રવિ ગુનાણી, પ્રકાશ રામરખિયાણી, હાર્દિક મકવાણા, જિતેન્દ્ર ચૌહાણ, ઉત્પલ મહીચ્છા, કશ્યપ ગાંધી, અમિત લાખાણી, હેમાલી લાખાણી, કુ. દિવ્યા ભાટિયા વિગેરે સહયોગી બન્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer