ભુજમાં બાગાયતના દ્વિતીય વર્ગના અધિકારી લાંચમાં પકડાયા

ભુજમાં બાગાયતના દ્વિતીય વર્ગના અધિકારી લાંચમાં પકડાયા
ભુજ, તા. 23 : તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે ખેતીના બાગાયત પાકમાં થયેલી નુકસાની અન્વયે મંજૂર થયેલી સહાય આપવાના બદલામાં રૂા. બાર હજારની લાંચ ખેડૂત પાસેથી સ્વીકારતા બાગાયત વિભાગના દ્વિતીય વર્ગના અધિકારી હર્ષદ રતીલાલ કણજારીયા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના હાથે ઝડપાઇ જતાં ભારે ચકચાર જાગી છે. શહેરમાં બહુમાળી ભવન ખાતે ત્રીજા માળે આવેલી બાગાયત વિભાગની કચેરીમાં કેસના ફરિયાદી ધરતીપુત્ર પાસેથી કહેવાતી લાંચની રૂા. બાર હજારની રકમ દ્વિતીય વર્ગના આ અધિકારી સ્વીકારી રહયા હતા ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ભુજ એકમ દ્વારા અગાઉથી ગોઠવી રાખેલા છટકામાં તેને આબાદ ઝડપી લીધા હતા.સત્તાવાર સાધનો પાસેથી મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર કચ્છમાં વિવિધ વિસ્તારોમાં તાજેતરના દિવસોમાં વરસેલા અતિભારે વરસાદના કારણે ખેતી અને બાગાયતી પાકને વ્યાપક નુકસાની થઇ છે. આ બાબતે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય વળતર યોજના બાબતે પણ અત્યારે વિવાદ અને વિરોધ ચાલી રહયા છે. આ વચ્ચે આ કેસના ફરિયાદી ખેડૂતને મંજૂર થયેલી વળતરની રકમ માટે તેમણે કચેરીનો સંપર્ક કરતાં આ માટે તેમની પાસે લાંચની માગણી કરાઇ હતી. દરમ્યાન ખેડૂતે આ વિશે એ.સી.બી.ને વાકેફ કરતાં આ સફળ છટકું ગોઠવાયું હતું. દરમ્યાન આજની આ ઘટનાના પગલે કેટલાક જાગૃત કિસાનોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે ખેતીવાડી અને તેના બાગાયત વિભાગમાં ભ્રષ્ટાચાર અત્યારે વધી ગયો છે. ખેડૂતોને  નાની-નાની બાબતોમાં કચેરી દ્વારા પરેશાન કરીને નાણાકીય માગણીઓ થઇ રહી છે તો જંતુનાશક દવાના વેંચાણ માટે પરવાનો આપવા માટે પણ વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. તાજેતરમાં આવા એક કિસ્સામાં લાયસન્સ આપવા માટે રૂા. 50 લાખની માગણી કરાઇ હોવાની ફરિયાદ પણ ઉઠી છે. આ ક્ષેત્રમાં અગાઉ ફરજ બજાવી ગયેલા અધિકારીઓની મિલકતો બાબતે તપાસ કરવામાં આવે તો પણ ઘણી વિગતો બહાર આવે તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer