28મીથી તલાટી કમ મંત્રીની અચોક્કસ મુદ્દતની હડતાળ

28મીથી તલાટી કમ મંત્રીની અચોક્કસ મુદ્દતની હડતાળ
ભુજ, તા. 23 : જિલ્લાના તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે ગત જાન્યુઆરીથી સમયાંતરે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆતો કરવા છતાં દુર્લક્ષતા સેવવામાં આવતાં મંગળવારે આવેદનપત્ર આપ્યા બાદ કાળી પટ્ટી, પેનડાઉન, માસ સી.એલ. સહિતના કાર્યક્રમો યોજી અંતે આગામી 28મીથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરવાની ચીમકી અપાઇ છે. જિલ્લા કલેક્ટરને કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયા મુજબ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે ગત જાન્યુઆરી, માર્ચ, જુલાઇ માસ દરમ્યાન ચારેક વખત રજૂઆત બાદ ગત 15મી સપ્ટેમ્બરે જિલ્લા વિકાસ અધિકારીએ રૂબરૂ બોલાવ્યા છતાં પ્રતિનિધિ?મંડળને મળવાનો ઇન્કાર કરી અપમાન કરાયું હતું, જેનો સમગ્ર જિલ્લા તલાટી મંડળે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પણ મંડળ દ્વારા પ્રશ્નોના નિરાકરણ બાબતે જિલ્લા તથા તાલુકા પંચાયતો ઉપરાંત વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.આ ઉપરાંત દરેક કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ નોંધાવશે. ત્યારબાદ તા. 24 ગુરુવારે પેનડાઉન, તા. 25 શુક્રવારે માસ સી.એલ. મૂકી અહિંસક દેખાવો યોજશે તેમ છતાં પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો તા. 28મીથી જિલ્લાના તમામ તલાટી ભાઇ-બહેનો અચોક્કસ મુદતની હડતાળ પર જશે તેવું પ્રમુખ વિજયગિરિ ગોસ્વામી અને મંત્રી વિનોદ સોલંકીની અખબારી યાદીમાં જણાવાયું છે. અબડાસા તલાટી મંડળ દ્વારા આવેદન નલિયા : અબડાસા તલાટી મંડળ દ્વારા જિલ્લા તલાટી મંડળના આદેશ મુજબ પડતર માગણીઓ અંગેનો પ્રાંત અધિકારી, મામલતદાર, ટી.ડી.ઓ. અને તાલુકા પ્રમુખને પત્ર અપાયો હતો જેમાં વિવિધ માગણીઓ નહીં સંતોષાય તો તા. 28મીથી તમામ તલાટી / સહમંત્રીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરશે. તલાટી મંડળના પ્રમુખ રૂપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ડી. આર. સોઢા, મહામંત્રી ભરત ચૌધરી, વિપુલ પરમાર, રોહિત ડાભી વગેરે તલાટીઓ રજૂઆતમાં જોડાયા હતા. નખત્રાણામાંયે આવેદન અપાયું કચ્છ જિલ્લા મંડળ દ્વારા જિલ્લાના વણઉકેલ પ્રશ્નો તંત્ર દ્વારા ઉકેલવામાં ન આવતાં તંત્ર સામે નારાજગી વ્યક્ત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે નખત્રાણા તલાટી મંડળ સામેલ થઇ?વિરોધ?પ્રદર્શન યોજી નખત્રાણામાં  પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સ્ટેશન કચેરીએ આવેદનપત્ર?સુપરત કરી અધિકારીઓ સમક્ષ તલાટીઓને કનડતી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. નખત્રાણા તલાટી મંડળના પ્રમુખ એસ. આર. ગોસ્વામીના વડપણ હેઠળ જિલ્લા મંડળના આદેશ મુજબ તલાટીઓ લાંબા સમયથી પડતર માગણીઓ, પગારધોરણ સુધારવા, પ્રમોશન, જિલ્લા ફેરબદલી, સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં અવગણના થવાના પ્રશ્નો સાથે લેખિત આવેદનપત્ર અધિકારીઓને સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ન.તા. તલાટી સંગઠનના રમેશભાઇ માળી, સંગીતાબેન ઠક્કર, નવીનભાઇ મારૂ, પંકજભાઇ રાવલ, મેરૂભાઇ સુરેલા, કમલેશ યાદવ, હિતેશ પંડયા, ભૂમિબેન છાંટબાર, મિતલબેન કાપડી, સાહિરાબેન અંસારી, હિતેન્દ્ર પ્રજાપતિ, હિતેશ પટેલ, અજયસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ જાડેજા, સંજય રવિભાણ વિગેરે વિરોધ પ્રદર્શિત પ્રક્રિયામાં જોડાયા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer