કંડલા બીજું ધારાવી બનવા વકી: કોરોના સામે રક્ષણ અર્થે કોઈ કાર્યવાહી ન કરાઈ

કંડલા બીજું ધારાવી બનવા વકી: કોરોના સામે રક્ષણ અર્થે કોઈ કાર્યવાહી ન કરાઈ
ગાંધીધામ,તા.23: દેશભરમાં પ્રસરેલાં કોરોના સંક્રમણે હવે કચ્છને પણ લપેટમાં લીધું છે.ત્યારે મહાબંદર કંડલા આસપાસની વસાહતો પરત્વે કોઈ ધ્યાન નહીં અપાતાં આ વિસ્તાર બીજો ધારાવી બને તેવી દહેશત વ્યકત થઈ રહી છે.દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની કર્મચારી વસાહતોની હાલત અત્યંત ખરાબ છે અને અહીં સફાઈ,સેનેટાઈઝેશન વગેરે જેવી કોઈ કામગીરી નહીં થતી હોવાથી ગમે ત્યારે કોરોના કેસોનો વિસ્ફોટ થઈ શકે છે તેવું ત્યાં વસતા લોકો જણાવી રહયા છે. બીજી બાજુ પ્રશાસને આ વાતને સ્પષ્ટ નકારી લઈને સફાઈ,મરંમત સહિતની કાર્યવાહી નિયમિત થતી હોવાનું તસ્વીરો રજુ કરીને જણાવ્યું હતું. ડીપીટી હસ્તકની આ વસાહતના ખખડધજ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ જશે.પ્રશાસને આ વસાહત ખાલી કરાવવામાં રસ હોય તેમ   કોઈ જધ્યાન અપાતું નથી. ડીપીટીના સિવિલ વિભાગમાં રજુઆત કરાય છે તો સ્ટાફ નથી,સાધનો નથી એવો જવાબ અપાય છે તેવો આક્ષેપ રહેવાસીઓ કરી રહયા છે. રહેવાસીઓના અન્ય આક્ષેપ મુજબ ગોપાલપુરી સ્થિત કર્મચારી વસાહતમાં સેનેટાઈઝેશન,સફાઈ સહિતની કામગીરી થાય છે. જયારે કંડલાની વસાહત પ્રત્યે ઓરમાયું વર્તન દાખવાઈ રહયું છે. આ વસાહત તેની આસપાસ તથા કંડલાની બજારમાં પણ જે રીતે ગંદકી ફેલાઈ રહી છે તે જીવન જીવવા યોગ્ય નથી.આમ છતાં ડીપીટીના કોઈ અધિકારી-કર્મચારી કયારેય ત્યાં રૂબરૂ આવતા નથી તેવી ફરિયાદ ઉઠી છે. દેશના આ પ્રથમ નંબરના મહાબંદર છતાં તેની આસપાસના વિસ્તારમાં કોવિડ-19 ન ફેલાય તેની કોઈ તકેદારી નહીં રખાતાં ખુદ શ્રમજીવીઓ,બંદર વપરાશકારોમાં પણ આશ્ચર્ય પ્રસર્યું છે. જયારે કચ્છમાં કોરોનાનું સંક્રમણ વધી રહયુ છે અને રોજીંદા 25 થી 30 કેસ બહાર આવી રહયા છે ત્યારે કંડલાની વસાહત પરત્વે ધ્યાન નહીં અપાય તો એક સમયે ત્યાં કોરોના વિસ્ફોટ થશે તેવો ભય રહેવાસીઓ વ્યકત કરી રહયા છે.દરમ્યાન ડીપીટી  જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ ગંદકીની તસ્વીરોને જુની ગણાવીને કહયું હતુ કે કંડલાની કોઈપણ ફરિયાદને ધ્યાનથી લેવામાં આવે છે અને પેવર બ્લોક ,ઝાડી કટીંગ જેવાં કામ ધ્વારા સ્થિતિમાં સુધાર લવાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer