ભુજમાં દરવાજાની સ્ટોપર ખોલીને ઘરમાંથી 78 હજારની માલમતા ચોરાઇ

ભુજ, તા. 23 : શહેરમાં રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે રઘુવંશી નગર એ.-1 ઝોન ખાતે રહેતા વ્યવસાયે કોન્ટ્રાકટર એવા ગિરધર જેઠાલાલ ઠકકરના ઘરમાંથી ગતરાત્રે રૂા. પોણો લાખની માલમતા ચોરી થવાનો કિસ્સો બહાર આવ્યો છે. બહાર આવેલી વિગતો અનુસાર ગતરાત્રે સાડા ત્રણ વાગ્યાથી પરોઢે પાંચ વાગ્યા દરમ્યાન શ્રી ઠકકરનું કૃષ્ણ કુંજ નામનું આ મકાન તસ્કરોનું નિશાન બન્યું હતું. મકાનના આંગણામાં પડતા દરવાજાની સ્ટોપર ખોલીને ઘરમાં ઘૂસેલા કોઇ હરામખોરો ડાઇનીંગ ટેબલ ઉપર પડેલા શ્રી ઠકકરના ઉપરાંત તેમના પત્નીના પર્સમાંથી રૂા. 10થી 15 હજાર રોકડા ઉપરાંત બે ઘડિયાળ અને બેથી અઢી તોલા વજનનું સોનાનું કડું ચોરી ગયા હતા. પોલીસ ફરિયાદમાં આ ચોરાઉ માલમતાની કિંમત રૂા. 77500 અંકારવામાં આવી છે. નોંધપાત્ર બાબત એ બની રહી હતી કે તસ્કરોએ પર્સમાં પડેલા વિવિધ આધારો ચોર્યા ન હતા. તો ઘરમાં પડેલા લેપટોપ કે મોબાઇલ ફોનને પણ તેઓ હાથ અડયા ન હતા. જયારે શ્રી ઠકકરની જોડાજોડ રહેતા તેમના ભાઇના મકાનની બારી તોડવા માટેનો પ્રયાસ પણ કરાયો હતો. પણ તેમાં તસ્કરોને સફળતા મળી ન હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer