ભુજમાં સુધરાઈએ 500 રખડતા ઢોરને પકડયા : 17 ઢોર માલિકો સામે ફરિયાદ

ભુજ, તા. 23 : જિલ્લા મથકમાં રખડતા પશુઓના કારણે માનવહાનિ તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતા માનવહાનિ કે અન્ય પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે વહીવટી તંત્ર, ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા તથા તેમની ટીમ તથા પોલીસ વિભાગના સંકલનમાં રહી રખડતા પશુઓને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધી ભુજ નગરપાલિકા તરફથી 500 પશુઓને પકડવામાં આવ્યા છે. બીજાની જાન જોખમમાં ન મૂકે તેમજ માનવહાનિ ટાળી શકાય તે માટે ચીફ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસ ખાતા તરફથી 17 પશુમાલિકો ઉપર ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે. હજી પણ ભુજ નગરપાલિકા તરફથી રખડતા પશુઓને પકડવાની કામગીરી અવિરતપણે ચાલુમાં છે. ભુજ નગરપાલિકા તરફથી પકડવામાં આવેલ ઢોરોના કાયમી નિભાવ માટે વહીવટી તંત્ર તરફથી ચીફ ઓફિસર ભુજ નગરપાલિકા તથા ભરતભાઈ સોંદરવા, પ્રમુખ અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ, ભુજ સાથે મિટિંગ યોજી રખડતાં ઢોરોનો કાયમી નિભાવ થાય તે માટે જુદી-જુદી ગૌશાળા/ પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીના જણાવ્યા મુજબ નગરપાલિકા વિસ્તારમાં રખડતા પશુઓને પકડવાની કામગીરીમાં ભુજ નગરપાલિકા, પોલીસ વિભાગ તથા વહીવટી તંત્રના સંકલનમાં રહી આ કામગીરી કરવામાં આવી રહેલ છે. જે કામગીરી ઝુંબેશરૂપી ચાલુ રાખવામાં આવશે તેમજ ઢોર માલિકો પોતાના પશુઓ રસ્તા કે જાહેરમાં છૂટા મૂકવામાં ન આવે તે માટે વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે અન્યથા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer