આધારકાર્ડની પ્રક્રિયા બંધ હોતાં 60 હજાર છાત્ર સહાય વિહોણા : બેંક ખાતાં ન ખૂલતાં મુશ્કેલી

કેરા (તા. ભુજ), તા. 21: વડાપ્રધાન ગરીબોને અનાજ અને પેશગી પહોંચાડવા માગે છે જે વિતરિત થઈ રહી છે પણ કચ્છ જિલ્લામાં મધ્યાહન ભોજન એલાઉન્સ ચૂકવવામાં આધારકાર્ડ ન હોવાનું આડે આવી રહ્યું છે. ચાલુ વર્ષે ધોરણ-1ના ઘણાં ખરાં બેંક ખાતાં ખુલ્યાં નથી. સરકારે લોકસહાય બેંકમાં જમા કરાવવાની પારદર્શી રીતિ અજમાવી છે જે સફળ રહી છે તે અનુસંધાને નિશાળોના છાત્રોને ચૂકવાતી શિષ્યવૃત્તિ-ગણવેશ  સહાય પણ હવે સમાજ કલ્યાણ વિભાગ સુધી છાત્રોના ખાતામાં ચૂકવે છે. તાજેતરમાં કોરોના સંદર્ભે નિશાળો બંધ છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ રોકડ સહાય અને અનાજ વિદ્યાર્થીદીઠ અપાઈ રહ્યા છે જેના પાંચ તબક્કા પૂર્ણ?થઈ ગયા છે. છઠ્ઠો તબક્કો 1 જુલાઈનો ચૂકવવા તૈયારી કરાઈ છે ત્યારે ધોરણ-1ના 60 હજાર છાત્રો આ સહાયથી વંચિત એટલે છે કે એના બેંક ખાતાં જ ખુલ્યાં નથી. શિક્ષણવર્તુળો જણાવે છે કે સહાય આવી છે પણ શાળા વ્યવસ્થાપન સમિતિના ખાતામાં જમા રહી જાય છે. બેંક ખાતાં શા માટે નથી ? તેનો જવાબ આધારકાર્ડ?ન હોવાનું જાણવા મળ્યું છે. મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લામાં આધારકાર્ડ પ્રક્રિયા કોરોનાના કારણે બંધ કરાઈ છે પણ તેનો ભોગ બાળકો બન્યા છે જે યોગ્ય ન હોવાનું કહેતાં જાગૃત નાગરિકો કહે છે કે શાળાઓમાં ટીમ મોકલી આધારકાર્ડની પ્રક્રિયા કરવી જોઈએ જેથી ગરીબ-વંચિત પરિવારના બાળકોને પેશગી આપી શકાય. અલબત્ત, ખાતાં વગરનાં બાળકોને અનાજ નિયમાનુસાર વિતરિત કરાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગરીબ વાલીઓ કહે છે કે, કલેક્ટર દરમ્યાનગીરી કરે અને આધારકાર્ડ શરૂ થાય તો સારું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer