હરિપરમાં જમીનના ઝઘડાની અંટસ વકરી : પથ્થરમારા સહિતનો હુમલો

ભુજ, તા. 21 : શહેરની ભાગોળે આવેલા તાલુકાના હરિપર ગામે જમીન બાબતે ચાલી રહેલા ઝઘડા અને વિવાદ દરમ્યાન છૂટા પથ્થરના ઘા કરવા સાથે લોખંડના સળિયા વડે હુમલો કરવાની વધુ એક ફોજદારી ફરિયાદ પોલીસ દફ્તરે ચડી છે. તો માંડવી શહેરમાં મકાનમાં સાત લાખનું નુકસાન કરવા સંબંધે  વળતરની માગણી કરાતાં શિક્ષકને ધાકધમકી કરાયાનો મામલો બહાર આવ્યો છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ હરિપરના હરજી ખીમજી વેકરિયા (ઉ.વ. 72)એ આ મામલામાં ગામના નારાણ દેવજી વેકરિયા, વિનોદ નારાણ વેકરિયા, ભારતીબેન નારાણ વેકરિયા અને નારાણ કાનજી રૂપાલિયા સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. અગાઉ થયેલા જમીન વિશેના ઝઘડાનું મનદુ:ખ રાખીને આરોપીઓએ ઘરની અગાશી ઉપરથી છૂટા પથ્થરોના ઘા કર્યા હતા. તો લોખંડના સળિયા વડે ફરિયાદી અને અન્યને માર માર્યો હતો. ભુજ બી-ડિવિઝન પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ માંડવી શહેરમાં મકાનમાં રૂા. સાત લાખનું નુકસાન કરવા અને આ બાબતે વળતર માગતાં ધાકધમકી કરાયાનો મામલો પોલીસના દફતરે ચડયો છે. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકરણમાં વ્યવસાયે શિક્ષક એવા માંડવીમાં અર્ચના સ્કૂલ પાસે રહેતા પ્રજ્ઞેશ નટવરલાલ રાજગોર દ્વારા માંડવીમાં પૂનમનગર ખાતે રહેતા દિવ્યાબેન નાનકદાસ સાધુ અને હેમેન લાલદાસ સાધુ સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપી દ્વારા ફરિયાદીના મકાનમાં સાત લાખનું નુકસાન કરાયું હતું. આ બાબતે વળતર માગતાં આ સમગ્ર મામલો બન્યાનું ફરિયાદમાં લખાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer