ધીણોધરમાં સોળે કળાએ ખીલી વનરાઈ

ધીણોધરમાં સોળે કળાએ ખીલી વનરાઈ
છગનભાઇ ઠક્કર દ્વારા-
વિરાણી મોટી (તા. નખત્રાણા) તા. 18 : જગતકલ્યાણ અને આત્માના શ્રેય અર્થે તપસ્યા કરવાની યોગ્યભૂમિની શોધ કરવા ઉત્તરાખંડથી પ્રયાણ કરી સમગ્ર ભારત દેશનું ભ્રમણ કરી અંતે કચ્છના નવનાથ અને ચોર્યાસી સિદ્ધો પરંપરાના નાથ સંપ્રદાયના શિરમોર સ્થાન ધીણોધર ડુંગરે પહોંચેલા અને 12 વરસ શિખર પર અઘોર તપસ્યા કરી અમરતત્વને પામ્યા. 1400 વરસ પૂર્વેના ઐતિહાસિક ધાર્મિક મહત્ત્વ ધરાવતા ધીણોધરને કચ્છના રાજકવિ નિરંજનને હિમાલયના પ્રવાસમાં જેની યાદ આવી અને `મુંજી માતૃભૂમિ કે નમન' કાવ્ય લખ્યું તેની છેલ્લી પંક્તિમાં અંકિત `િહમાલય વટ પુગો નિરંજન ધીણોધર સંભરન, અસી બાલુડા બુલ બુલ ઈનજા મુંજી માતૃભૂમિ કે નમન' એવો કચ્છનો ધીણોધર ડુંગર વર્તમાન ચોમાસામાં સોળે કળાએ ખીલેલી વનસ્પતિ અને નોંધપાત્ર વૃદ્ધિએ ઊભેલા ઘાસચારાનું અદ્ભુત દૃશ્ય યાત્રી-દર્શનાર્થી- પ્રવાસીઓને ઘેલું લગાડે છે. જમીનથી 1400 ફૂટની ઊંચાઈએ ધીણોધરના શિખર પર જે સ્થળે ધોરમનાથ દાદાએ પથ્થરની સોપારી ઉપર ઊંધા મસ્તકે તપસ્યા કરી હતી ત્યાં દાદાનું મંદિર, મૂર્તિ, પાદુકા, પથ્થરની સોપારીની અસ્મિ, બાજુમાં અખંડ ધૂણો, પરિસરમાં વનખંડી મહાદેવનું મંદિર, હિંગલાજ માતાનું મંદિર, કાલભૈરવ, બટુકભૈરવ, વૈશ્નવભૈરવની ડેરીઓ, બ્રહ્મલીન યોગી નાગનાથ, જોતનાથ, કેશરનાથ, ગંભીરનાથ, નીમનાથ, ચંદ્રનાથ, હીરાનાથનાં સમાધિ મંદિર, પાદુકા દર્શનની ડેરીઓ, ખેતરપાળ, રાવલપીરના દર્શનયાત્રીઓના રહેવા માટે હોલ, રૂમ, ધર્મશાળા, રસોડું - રસોઈ માટેનાં વાસણ, સાધનો, વીજળી- પાણીની સુવિધા ઊભી કરાઈ છે.  શિખર પરથી ચોમેર ફરતે નજર કરતાં તળેટી, જંગલોમાં છવાયેલી વનસ્પતિ ઘાસની આંખને ઠારતી હરિયાળી, ઉત્તરે પક્ષીતીર્થ છારીઢંઢ અને રણમાં ભરાયેલાં પાણીથી પરિવર્તિત થયેલા સમુદ્ર જેવાં દૃશ્ય, પૂર્વે નિરોણા, ખારડિયા, અધોછની ડેમ, સામત્રા ટી.વી. ટાવર દક્ષિણે, પશ્ચિમે નખત્રાણા તાલુકાનો લીલોછમ્મ વાડીવિસ્તાર અને ચોમેર પાણીથી લહેરાતા નાના-મોટા ડેમ- તળાવોનાં મનોહર દૃશ્યો જોવાની મોજ પડે છે. રાત્રિએ ઝળહળતી પવનચક્કીઓની લાલ સિગ્નલ લાઈટો, શહેર-ગ્રામ્ય વિસ્તારની લાઈટોનાં દૃશ્યો જોવા મળે છે. પહાડના જંગલમાં હજારોની સંખ્યામાં વિચરતા મોરના ટહુકા, વિવિધ પક્ષીઓના મધુર ગુંજન કર્ણપ્રિય ભાસે છે. જ્યારે લિયાર- લુસકા (પાડેલા), કંગણી (ગાંગિયા), ધોધા, કુંઢેર - કુંઢેરિયા વિવિધ પ્રકારનાં ફળફળાદિનો આસ્વાદ માણવાની મોજ પડે છે. ધીણોધર ડુંગરની પશ્ચિમ તળેટીમાં બાબા રામદેવપીરનું મંદિર, ધોરમેશ્વર મહાદેવનું મંદિર સહિત દર્શનીય મંદિરો આવેલાં છે. પૂર્વે થાન જાગીર, ધીણોધર ચઢતાં માર્ગના એક હજાર જેટલાં પગથિયાં વચ્ચે સરમાળિયાદાદાની છતેડી જ્યારે ધીણોધર સંસ્થાનના મહંત પદે યોગી મહેશનાથજી તથા થાન જાગીરના મહંત પદે યોગી સોમનાથજી તે બ્રહ્મલીન યોગી હીરાનાથજીના બંને શિષ્યો નાથ સંપ્રદાયના શિરમોર સ્થાનોનું સંચાલન કરે છે. કચ્છ કલેક્ટર હસ્તકના આ સ્થાનકો ઝંખે છે યાત્રી -પ્રવાસીઓ માટેની અનેકવિધ સુવિધાઓ.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer