સર્વાંગી-સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિય

સર્વાંગી-સંતુલિત વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિય
ભુજ, તા. 18 : રાજ્ય સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વર્ષ 2020-21માં નવી યોજના સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત અંજાર ખાતે રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાનો પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે, વિકાસની હરણફાળમાં ખેડૂત કલ્યાણના સાત પગલાં મહત્ત્વપૂર્ણ છે જે પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના બે પગલાંનો પ્રારંભ કર્યો છે. રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ અને અગ્રેસર છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી આહીરે અંજાર ખાતે જણાવ્યું હતું કે, 15 કરોડ 52 લાખ રૂપિયાની સહાય આ યોજના હેઠળ કચ્છને ફાળવવામાં આવશે. આજે સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના પૈકી કચ્છના ચાલુ વર્ષે કુલ 5175 ગોડાઉન બનશે. રાજ્યમાં પ્રથમવાર અમલી કિસાન પરિવહન યોજના હેઠળ કચ્છમાં 377 ઉપરાંત ખેડૂત લાભાર્થીઓ લાભ મેળવશે. કુલ રૂા.18 કરોડની સબસિડી આ યોજના દ્વારા મેળવીને ખેડૂતો કચ્છને વધુ સમૃદ્ધ કરશે એવી આશા પણ તેમણે વ્યકત કરી હતી.  ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ  યોજનાથી કચ્છના ખેડૂતો વધુ સમૃદ્ધ થશે એમ જણાવ્યું હતું. ખેતી નિયામક ડી. એમ. મેણાતે સ્વાગત પ્રવચનમાં યોજનાથી સૌને માહિતીગાર કર્યા હતા. ભચાઉના ખેતી મદદનીશ નિયામક એન.બી.નાયકે આ તકે આભારવિધિ કરી હતી. આ તકે કુલ 33 લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્રો અને હુકમોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ બે યોજના પૈકી કચ્છમાં કુલ 5175 અને 377 મંજૂરી અને હુકમપત્રો આપવામાં આવશે. કલેકટર પ્રવીણા ડી.કે., તાલીમી આઇએએસ નિધિ શિવાચ, અંજાર ટીડીઓ એ. જે. દેસાઇ, અંજાર મામલતદાર અફઝલ મંડોરી, આત્મ પ્રોજેકટ ડાયરેકટર એ. ઓ. વાઘેલા તેમજ અગ્રણી હરિભાઇ જાટિયા, બાબુભાઇ વેલાભાઇ, જિલ્લા-તાલુકા અગ્રણીઓ, ખેડૂતભાઇ-બહેનો, ગ્રામસેવકો, તલાટીઓ અને કૃષિ બાગાયત અને પશુપાલનના સંબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer