દરિયા કિનારે મળેલું ચરસ વેંચવા જતા પ્રાગપર નજીકથી ત્રણ જણ દબોચાયા

ગાંધીધામ, તા. 18 : મુન્દ્રા તાલુકાના પ્રાગપર નજીક પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટુકડીએ   7.50 લાખની કીંમતના માદક પદાર્થ ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. દરિયા કિનારેથી મળેલા આ પેકેટને  વેંચી ઉડતા કચ્છ બનાવવાના કારસાને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથાલીયા, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી કેફી દ્રવ્ય અને માદક પદાર્થના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલી સુચનાના આધારે ભુજ એસ.ઓ.જી.ની ટુકડીએ ગુરૂવારે સાંજે આ  ડમી ગ્રાહક મોકલાવી આ ઓપરેશન પાર પાડયું હતું. પ્રાગપર ચોકડી પાસેથી પોલીસે આરોપીઓ પ્રફુલ પોપટ બારીયા, માછીમારી કરતા રામજી વેલા કોલી અને ગાંધીધામના નરેશ સોમાલાલ શાહની ધરપકડ કરી હતી. તાજેતરમાં અબડાસાનાદરિયાકાંઠામાંથી ચરસના બીનવારસુ પેકેટ મળી આવતા હતાં. આ  દરમ્યાન અબડાસા તાલુકાના  રાપર ગઢવારી ગામના રહેવાસી અને માછીમારી કરતા  રામજી કોલીને ચરસના પેકેટ મળી આવ્યા હતાં. આ પેકેટ તેણે પોતાની પાસે છુપાવી રાખ્યા બાદ તેને વેંચવા માટે પેરવી કરી હતી.આરોપી રામજીએ ગાંધીધામના નરેશ શાહને ચરસ  વેંચવા માટે ગ્રાહક  ગોતી આપવા કહ્યું હતું.દરિયા કિનારે મળી આવેલું ચરસ બજારમાં વેંચવાની પેરવી થતી હોવાની બાતમી એસ.ઓ.જી.ના હેડકોન્સટેબલ મદનસિંહ લાલુભા જાડેજાને મળી હતી. આ ઓપરેશન પાર પાડવા માટે પોલીસે ડમી ગ્રાહકને ઉભો કર્યો હતો. ડમી ગ્રાહકે નરેશ શાહને ફોન કરી તેમના  પરીચીતને ચરસ ખરીદવું છે તેવું કહ્યું હતું. આરોપી નરેશે ડમી ગ્રાહકને પ્રાગપર ચોકડીથી ગાંધીધામ જતા રસ્તે અરનાથધામ જૈન મંદીર પાસે આવવા જણાવ્યું હતું. ડમી ગ્રાહકે પોલીસને જાણ કરતા એસ.ઓ.જીની ટુકડીએ વોચ ગોઠવી હતી. આરોપી  ચરસની ડીલીવરી દેવા આવેલા પ્રફુલ બારીયાને ઝડપી પાડયો હતો.  તેની પાસે થેલી કેમ આવી તે અંગે પુછતા પ્રાગપર ચોકડી પાસે બાઈક ઉપર આવેલા શખ્સે આપી હોવાનું જણાવતા  પોલીસે માછીમાર રામજી કોલીને  ઝડપી પાડયો હતો. બાદમાં  રામજી પાસે ફોન કરાવી નરેશનું લોકેશન મેળવી તેની પણ મુન્દ્રાથી જ ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.4.50 લાખની કીમતનો ત્રણ કિલો ચરસનો જથ્થો કબ્જે કર્યો હતો. માછીમાર રામજી કોલીની વધુ પુછપરછ કરતા તેમણે પોતાના ઘરે વધુ જથ્થો છુપાવ્યો હોઈ રાપર ગઢવારીમાં તેના ઘરમાં છુપાવાયેલો વધુ ત્રણ લાખની કીમતનો ચરસનો જથ્થો કબ્જે કરાયો હતો. પોલીસે  રોકડા રૂા.520, 10 હજારની કીમતની બાઈક, અને 9 હજારની કીમતના ત્રણ ફોન સહીતનો મુદામાલ પણ કબ્જેકર્યો હતો. પોલીસે આરોપીઓ સામે એન.ડી.પી.એસ  એકટ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ઈન્ચાર્જ પી.આઈ એ.આર.ઝાલા, ભુજ સીપીઆઈ પી.એમ.ચૌધરી,  એસ.ઓ.જીના ઘનશ્યામસિંહ જાડેજા, મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, સુનિલ પરમાર, રજાક સોતા, ગોપાલ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, મહિપતસિંહ સોલંકી જોડાયા હતાં. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer