માધાપરમાં કાલ્પનિક કોરોનાના ભયથી વૃધ્ધે ફાંસો ખાઈ લીધો

ગાંધીધામ, તા. 18 : ભુજ તાલુકાના માધાપરમાં બે દિવસથી તાવ આવતાં પોતાને  કોરોના  હોવાનું સમજીને ગાંગજી મેઘજી મહેશ્વરી(ઉ.વ.59) નામના વૃધ્ધે ગળેફાંસો ખાઈ લીધો હતો. બીજી બાજુ ખાવડામાં  સીમા સુરક્ષા દળના એ.એસ.આઈ આર. મુથ્થુ કે. રમન (ઉ.વ.52)ને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતું. માધાપરના જુનાવાસમાં રામંદિર પાસે રહેતા ગાંગજી  નામના વૃધ્ધે આજે વહેલી પરોઢે અંતિમ પગલું ભરી લીધુ હતું. નિવૃત જીવન ગાળતા આ વૃધ્ધના ચાર પુત્રો હોવાનું પોલીસે જણાવ્યુ હતું. તેમને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. અને પોતાને કોરોના હોવાની બીકે  આજે તેમણે છેલ્લુ પગલુ ભરી લીધુ હતું. પોતાના ઘરની ઓસરીમાં  આવેલા હુકમાં રસ્સી બાંધી તેમણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બીજી બાજુ ગાંધીધામ હેડકવાર્ટર -150 બટાલીયન બી.એસ.એફમાં ફરજ બજાવતા આર.મુથ્થુનું આજે મોત થયુ હતું. ખાવડા બાંધા  સરહદ ઉપર ફરજ બજાવતા  આ જવાનને ગત તા.15/9 ના  તાવ ,ઉધરસની બિમારી થઈ હતી. દરમ્યાન તેમને ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં સારવાર દરમ્યાન તેમને શ્વાસ લેવામાં તકલીફ  થયા બાદ આ જવાનનું મોત થયુ હતું. આ જવાનને કોરોના હતો કે નહી તે  પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ બહાર આવશે તેવુ પોલીસે જણાવ્યુ હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer