રશિયા પાસેથી રસીનાં 10 કરોડ ડોઝ ખરીદશે ભારત

રશિયા પાસેથી રસીનાં 10 કરોડ ડોઝ ખરીદશે ભારત
મોસ્કો, તા.16 : કોરોના સંકટ મધ્યે સૌપ્રથમ આ મહામારીની રસી શોધી લેનાર રશિયામાંથી ભારત માટે રાહત અને ખુશીનાં ખબર આવ્યા છે. રશિયા દ્વારા ભારતને આ રસીનાં 10 કરોડ ડોઝ ભારતને વેચવામાં આવશે. જો ભારતમાં આ રસીનાં પરીક્ષણો સફળ રહે અને સમયસર તમામ મંજૂરીઓ મળી જાય તો ચાલુ વર્ષનાં અંત સુધીમાં જ ભારતને રસી મળવાની શરૂઆત થઈ જશે. રશિયાનું સોવેર્ન વેલ્થ ફંડ ભારતને સ્પુતનિક-વી નામક કોરોનાની રસીનાં 10 કરોડ ખોરાક આપવા માટે સંમત થયું છે. ભારતીય ફાર્મા કંપની ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીને આ ડોઝ વેચવામાં આવશે. રશિયા હવે પોતાની આ રસી દુનિયાનાં અન્ય દેશોમાં પહોંચતી કરવાની કામગીરીને ઝડપી બનાવી રહી છે. જેમાં રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ) દ્વારા ભારતીય ઉત્પાદકો સાથે ભારતમાં આ રસીનાં 30 કરોડ ડોઝ બનાવવા માટેનો કરાર પણ કરી લેવામાં આવ્યો છે.આરડીઆઈએફ દ્વારા અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની અગ્રણી ફાર્મા કંપની ડૉ.રેડ્ડીઝ દ્વારા રસીનાં ત્રીજા ચરણનાં પરીક્ષણો ભારતમાં કરવામાં આવશે અને અનિવાર્ય મંજૂરીઓ ત્યાં સુધી બાકી રહેશે. ભારત દ્વારા રસીની ખરીદી માટે જે સોદો કરવામાં આવ્યો છે તે અનુસાર 2020નાં અંત સુધીમાં ભારતને રસી મળતી થઈ જશે. જો કે તે ભારતમાં રસીના પરીક્ષણો, નિયામક નોંધણી અને અનુમતિઓને આધીન રહેશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer