નખત્રાણા-અબડાસામાં એકથી બે ઇંચ

નખત્રાણા-અબડાસામાં એકથી બે ઇંચ
ભુજ, તા. 16 : કચ્છને ભાદરવો પણ શ્રાવણ જેમ ફળ્યો હોય તેમ આજે જિલ્લા મથકને ઝાપટાંએ પલાળ્યું હતું તો નખત્રાણા અને અબડાસા તાલુકાના કેટલાક વિસ્તારમાં એકથી બે ઇંચ વધુ પાણી વરસી ગયું હતું. નખત્રાણા પંથકમાં એકથી દોઢ ઇંચ નખત્રાણામાં  રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિત આસપાસના પંથકમાં  બપોરે ચારેક વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એકાદ કલાક ચાલેલો આ વરસાદ અંદાજે દોઢથી બે ઇંચ જેટલો પડયો હતો. સવારથી જ અસહ્ય બફારો, અકળામણ થાય તેવી ગરમી સાથે આકાશમાં  મોટી-મોટી વરસાદી વાદળોની શેરો સાથે આકાશ ગોરંભાયું હતું અને જોતજોતામાં   વરસાદ તૂટી પડયો હતો.  આ લખાય છે ત્યારે  પણ વરસાદ ચાલુ છે. આ વરસાદના પગલે  શેરીમાં અને માર્ગો પરથી જોશભેર પાણી વહ્યા હતા.  સવારે ગરમી બપોર બાદ વરસાદ અને સાંજના વાતાવરણ ઠંડું થઇ જતાં હવામાન પણ વિષમ બન્યું છે. ભધરે જો મીં હેકડે સેડે મીં બે સેડે ડીં ભાદરવા માસનો વરસાદ અંગે કહેવત મુજબ ખેતરના એક સેઢે વરસાદ તો બીજા સેઢે તડકો એ પ્રકારનો આજે નખત્રાણા તાલુકાના  જોડલા ગામ નાના અને મોટા કાદિયા પૈકી આજે બપોરે  મોટા કાદિયામાં જોરદાર વરસેલા ઝાપટાંથી અડધા ઇંચથી ઉપર વરસાદ વરસ્યો હતો. જ્યારે નાના કાદિયામાં સૂર્ય પ્રકાશિત વાતાવરણ સર્જાયું હતું. વિગોડીમાં દોઢથી બે ઇંચ મૂશળધાર વરસાદ વરસ્યાનું વેપારી મહેન્દ્રભાઇ ઠક્કરે જણાવ્યું હતું. ગઇકાલે મંગળવારે પણ દોઢેક ઇંચ વરસાદ થયાનું તેમણે ઉમેર્યું હતું. અગાઉ આ વિસ્તારમાં  માફકસર વરસાદ થયો હોવાથી આ વરસાદ ખેતી પશુપાલન માટે ફાયદાકારક થશે. મોટી વિરાણી, રામેશ્વર, ભારાપર, સુખપર, બીરૂ, મોસુણા, જડેશ્વરમાં એક ઇંચ વરસાદ પડતા વાડીઓના પિયત મોલને બોરના પાણી મોટરથી પાણી પીવડાવવાની એક સપ્તાહની ચિંતા ઓછી થયાનું ખેડૂતોએ જણાવ્યું હતું. દેવીસર (લાખીયારવીરા), જિંદાયમાં ઝાપટાં વરસતા અડધો ઇંચ વરસાદ પડયો હતો. અબડાસા પંથકમાં એક ઇંચ એકાદ દિવસના વિરામ બાદ અબડાસામાં આજે ઝાપટાંથી માંડી 1 ઇંચ વરસાદ થયો હતો. તાલુકાના ગરડા વિસ્તારના ગામડાઓ નાની-મોટી બેર, રામવાડા, નવાવાસ, થુંમડી, અકરી, સાંઘી, નાની-મોટી ચરોપડી, કોષા, કેરવાંઢ, વલસરા, ફુલાય, વાઘાપદ્ધર, વાયોરમાં આજે બપોરે એકાદ ઇંચ પાણી વરસ્યું હતું. તાલુકાના બીટ્ટા, ધુફી અને આસપાસના ગામોમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. નલિયા, તેરા સહિતના  કેટલાક ગામોમાં મેઘરાજાએ  હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે હાજરી પુરાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer