જર્જરિત સરકારી બાંધકામો તોડી નવનિર્માણ કરો

જર્જરિત સરકારી બાંધકામો તોડી નવનિર્માણ કરો
વસંત અજાણી દ્વારા-  ભુજ, તા. 16 : ગત રવિવારે કચ્છધરાને ધ્રુજાવનારા પ.3ની તીવ્રતાવાળા આંચકાથી કચ્છીઓના મનમાં ફરી એકવાર ભૂકંપનો ભય પેદા થયો છે. બે દાયકા પહેલાં આવેલા ધરતીકંપના કારણે નુકસાનગ્રસ્ત અનેક ખાનગી, સરકારી ઈમારતો અને આવાસો હજુ પણ એ જ હાલતમાં ઊભા છે અને લોકોને ડરાવી રહ્યા છે. પાટનગરના સરપટ નાકા નજીક ત્રણેક ઐતિહાસિક બાંધકામો જર્જરિત અને ખંડેર અવસ્થામાં ઊભા છે તેનું કાં તો સમારકામ કરાવવું જોઈએ અન્યથા તોડીને નવનિર્માણ કરીને લોકોપયોગી બનાવવા તંત્રએ ધ્યાન આપવાની તાતી જરૂર છે. સરપટ નાકા પાસે જ વર્ષોથી કાર્યરત તાલુકા પોલીસ સ્ટેશનને 2001ના ધરતીકંપથી મોટું નુકસાન થયું. બાદમાં આ સ્ટેશનની કાર્યવાહી માટે ભુજ એરપોર્ટ વિમાન મથક રિંગરોડ, જેલ સ્ટાફ કવાર્ટરની બાજુમાં નવનિર્માણ પામેલા બાંધકામમાં સ્થળાંતર કરાયા પછી થોડા વરસ બાદ જૂના સ્ટેશનનું સમારકામ કરાયા પછી પુન: આ જ સ્થળે તાલુકા પોલીસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે દાયકામાં પોલીસ અને પોલીસ વિભાગ સિવાયના અનેક સરકારી ઓફિસોના મોટા પાયે ભૂકંપપ્રૂફ બાંધકામો કરવામાં આવ્યા છે ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન જૂના બાંધકામમાં સમારકામ કરાયેલા મકાનમાં કાર્યરત છે. જો સરકાર ધારે અને પોલીસ વિભાગ દ્વારા સક્રિયપણે કાર્યવાહી હાથ ધરાય તો ભુજ તાલુકા પોલીસ સ્ટેશન?-?બી ડિવિઝનનું મકાન પણ આધુનિક બની શકે તેમ છે, કારણ કે ભૂકંપ દરમિયાન તાલુકા પોલીસ લાઈનને ખૂબ મોટું નુકસાન થતાં એ આવાસો હાલમાં બી-ડિવિઝન લગોલગ ખંડેર અને જર્જરિત હાલતમાં પડયા છે. બિલકુલ બિનઉપયોગી છે. આ ત્રીસેક આવાસોને તોડી પાડીને ખુલ્લી જમીનમાં આધુનિક પોલીસ સ્ટેશનની સાથે અનેક નવી સુવિધાઓ આકાર પામી શકે છે. હાલમાં બી-ડિવિઝન દ્વારા ડિટેઈન કરાયેલાં વાહનો મુખ્ય માર્ગની આજુબાજુ ભંગાર હાલતમાં પડયાં છે. અહીં જ જ્યુબિલી હોસ્પિટલ અને ખાસ જેલની હાલત એ જ છે. બન્ને બાંધકામો ભૂકંપના મારથી જર્જરિત હાલતમાં ઊભા છે. બન્ને જગ્યાઓને બાંધકામ ક્ષેત્રના તજજ્ઞોના સહકારથી સમારકામ અથવા પુન: નિર્માણની કાર્યવાહી કરવા તરફ લાગતાવળગતા તંત્રે આગળ વધવું જોઈએ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer